બોડેલી, તા.ર૦
બોડેલી તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ઉગ્ર બની હતી. એક મત માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં ખેંચાખેંચ થતા છેવટે ભાજપે કોંગ્રેસના એક સભ્યને પોતાના તરફ કરી કોંગ્રેસ પાસેથી પ્રમુખ- ઉપપ્રમુખની બેઠક આંચકી લીધી હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ સત્તાની લાલસામાં મહિલાનું સન્માન ભુલી મત માટે એક મહિલા સભ્યની ખેંચાખેંચ કરતા મહિલાના કપડાં પણ ખેંચાઈ ગયા હતા.
બોડેલી તાલુકા પંચાયતની કુલ ર૬ બેઠકમાંથી ૧૩ બેઠક કોંગ્રેસ અને ૧૩ બેઠક ભાજપના ફાળે છે આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બંને પક્ષની બેઠક એક સરખી હોવાથી સભ્યની ખેંચાખેંચ કરી હતી અને વધવા બેઠક પરથી જીતેલ કોંગ્રેસની સભ્ય વિનિતાબેન પ્રવિણભાઈ રાઠવા કોંગ્રેસને બદલે ભાજપ તરફથી મત આપવા જતા હોબાળો મચી ગયો હતો અને કોંગ્રેસ સભ્યો વિનિતાબેન પોતાના બાજુ લાવવા માટે ભાજપની લાઈનમાં બેઠેલ વિનિતાબેનને હાથ ખેંચી લાવતા બીજી બાજુ ભાજપના સભ્યો વિનિતાબેનને ખેંચી રાખતા એક સમય માહોલ ગરમાઈ ગયો હતો અને ખેંચાખેંચમાં વિનિતાબેનના કપડાં પણ ખેંચાઈ ગયા હતા. પોલીસે બંને પક્ષને છુટા પાડીને પોતાની જગ્યાએ બેસાડ્યા હતા અને વિનિતાબેનને પોતાની મરજી મુજબ મત આપવા જણાવ્યું હતું. બંને પક્ષની તું તું મેં મેં બાદ વીડિયો રેકોર્ડિગ કરી સભ્યોને જે ને મત આપવો હોય તે હાથ ઊંચા કરી મત આપે ત્યાર બાદ પ્રમુખ પદ માટે મતદાન થતાં અધિકારીની ભૂલને લઈ બંને પક્ષના ઉમેદવારને ૧૩-૧૩ મત મળેલ છે પરંતુ ભાજપના સભ્યોએ હોબાળો કરતા જ મતદાનના વીડિયોની તપાસ કરતા ભાજપના જગદીશ શાંતિલાલ બારિયાને ૧૪ મત મળ્યા હતા અને જગદીશભાઈને પ્રમુખપદના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખમાં ભાજપના વિજય ભીખાભાઈ પટેલને ૧૪ મતો મળતાં તેઓ ઉપપ્રમુખપદ પર વિજયી થયા છે. કોંગ્રેસના વિનિતાબેનના ક્રોસ વોટિંગથી બોડેલી તાલુકા પંચાયત ભાજપે કબજો કરેલ છે.