(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૧૬
ધ્રાંગધ્રા નગરપાલિકાની નિષ્ક્રિયતાથી ચૂંટણી સમયે નિકળતા નેતાઓને મોટો ફટકો પડતો હોવાનું ધ્યાને આવ્યું છે. જેમાં કેટલીક વખત તો મતની આજીજી કરવા નિકળેલા ઉમેદવારોને જે તે વિસ્તારના રહીશોનાં રોષનો ભોગ પણ બનવું પડે છે ત્યારે ધ્રાંગધ્રા વોર્ડ નં.પાંચનો વિસ્તાર અતિ પછાત તથા અશિક્ષિત લોકોનો ગણવામાં આવે છે. અહીં દલિત લોકોનો વસવાટ છે અને આ વોર્ડ નં.પના રહીશોને પાણી, રોડ-રસ્તા તથા અન્ય પ્રાથમિક સુવિધા મળતી ન હોવાનો આક્ષેપ કર્યો છે. વોર્ડ નં.પાંચના રહીશો દ્વારા ઉનાળાની ગરમીમાં પોતાના રહેણાંકથી દૂર પાણી ભરવા માટે જવું પડે છે ત્યારે અન્ય વિસ્તારોની સામે આ વોર્ડના રહીશોને નહીવત્ સુવિધા પુરી પાડવાના પ્રશ્ને પોતાની સાથે ભેદભાવ રાખવાનો આક્ષેપ પણ કરાય છે. આ વોર્ડની મહિલાઓ દ્વારા અનેક વખત નગરપાલિકા ચીફ ઓફિસર તથા પ્રમુખને લેખિત રજૂઆત કરી છતાં પણ હજુ સુધી તેઓના પાણીનાં પ્રશ્નોનો નિકાલ નહીં આવતા અંતે ન છુટકે મહિલાઓએ નગરપાલિકા પર હલ્લાબોલ કરી હોબાળો મચાવ્યો હતો. જેમાં ચીફ ઓફિસર તથા પ્રમુખની ગેરહાજરી હોવાથી મહિલાઓ દ્વારા હોબાળો કરી પાલિકાના ગેટ પર તાળાબંધી કરી પાલિકાની કામગીરી કલાકો સુધી ઠપ્પ કરી હતી. થોડા સમય તાળાબંધી રાખ્યા બાદમાં મહિલાઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખના છાજિયા પણ લીધા હતા. આખરે ખૂબ સમજાવટ બાદમાં મહિલાઓએ નગરપાલિકાને કરેલા તાળાબંધી ખોલી પાલિકાની કામગીરી યથાવત્ શરૂ કરવાની પરવાનગી આપી હતી.
ધ્રાંગધ્રા ખાતે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રખાતાં મહિલાઓ દ્વારા પાલિકાને તાળાબંધી

Recent Comments