(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૩
આણંદ શહેરનાં જુના દાદર વિસ્તારમાં છેલ્લા કેટલાક દીવસોથી પીવાના પાણીની પાઈપ લાઈનમાં દુષીત પાણી મીશ્રીત થવાના કારણે પીવાના પાણીના નળમાંથી ડહોળુ દુષીત પાણી આવી રહ્યું છે. જેને લઈને મહીલાઓને શુદ્ધ પાણી મેળવવા માટે આસપાસના વિસ્તારમાં રઝળપાટ કરવો પડે છે. જેને લઈને મહીલાઓમાં તંત્ર વિરૂદ્ધ ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. પાણીની સામસ્યાને લઈને આજે સ્થાનીક મહીલાઓએ તંત્ર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ અંગે જો તંત્ર દ્વારા તાકીદના પગલાં લેવામાં નહીં આવે તો કરવેરાનો બહીષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે સ્થાનીક મહીલા રસીદાબેન વ્હોરાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દીવસથી અહીયાં પીવાનું પાણી દુષીત અને ડહોળુ આવી રહ્યુું છે જે પીવા યોગ્ય નથી જે અંગે અનેકવાર રજુઆતો થવા છતાં તંત્ર દ્વારા આ અંગે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જો આ વિસ્તારમાં રોગચાળો ફેલાશે તો તેની જવાબદારી પાલીકા તંત્રની રહેશે.
આ અંગે સ્થાનીક ગૃહીણી નજમાબેને જણાવ્યુું હતું કે આ વિસ્તારના રહીશો પાલીકાના તમામ ટેકસની ભરપાઈ કરે છે. તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારની સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.
જયારે સ્થાનીક મહીલા તાહેરાબેને જણાવ્યું હતું કે વિસ્તારમાંથી નીયમીત પણે ડોર ટુ ડોર કચરો પણ ઉઠાવવામાં આવતો નથી તેમજ સફાઈ કામદારો પણ આ વિસ્તારમાં કચરો વાળવા માટે આવતા નથી જેના કારણે અહીંયા કચરાના ઢગલા ખડકાયા છે.
જયારે સ્થાનીક ગૃહીણી આબેદાબેને જણાવ્યું હતું કે પીવાનું પાણી દુષીત આવવાના કારણે અમારે ઘરનું કામકાજ છોડીને પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે આસપાસના વિસ્તારમાં વલખા મારવા પડે છે.