(એજન્સી) નવી દિલ્હી, તા.૩
કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ સબરીમાલા મંદિર વિવાદ પર બોલતા કેરળ સરકાર પર આરોપ મૂક્યો હતો કે, આ ઘટના હિન્દુઓ પર દુષ્કર્મ સમાન છે. બીજી તરફ કેરળ ભાજપના નેતા મુરલીધરને કેરળ સરકાર પર આરોપ મૂકી કહ્યું કે, બે મહિલાઓનો મંદિરમાં પ્રવેશ પૂર્વયોજિત હતો. જે મુજબ બે માઓવાદી મહિલાઓને પોલીસની દેખરેખ હેઠળ મંદિરમાં લઈ જવાઈ.
કેન્દ્રીય મંત્રી અનંત હેગડે એ કહ્યું કે, કેરળ સરકાર સબરીમાલા વિવાદ મુદ્દે નિષ્ફળ ગઈ છેે. આ એક હિન્દુઓ પર દુષ્કર્મ છે. કેરળ ભાજપના નેતા મુરલીધરને કહ્યું કે, કેરળ સરકારે પૂર્વયોજિત કાવતરું રચી બે નક્સલ મહિલાઓને મંદિર સુધી પહોંચાડી અને તેમને પોલીસની સુરક્ષા અપાઈ. બુધવારે જે બે મહિલાઓ મંદિરમાં ગઈ હતી તે શ્રદ્ધાળુ ન હતી પરંતુ નક્સલી હતી. માઓવાદીઓ સાથે મળી કેરળ સરકારે આ યોજના બનાવી હતી. બે મહિલાઓએ મંગળવારે મધરાતે મંદિર તરફ પ્રયાણ કર્યું હતું. બુધવારે સવારે ૩.૪પ કલાકે મંદિરમાં પહોંચી ગઈ. ત્યારબાદ આ મહિલાઓએ ભગવાન અયપ્પાના દર્શન કર્યા અને પરત ફરી. મહિલાઓના નામ બિન્દુ અને કનક દુર્ગા હતું. વીડિયોમાં મહિલાઓ મંદિરમાં પ્રવેશતી જોવા મળી હતી. જેમની ઉંમર ૪૦ વર્ષની આસપાસ હતી. ર૪ ડિસેમ્બરે ૧૧ તામિલનાડુની મહિલાઓએ દર્શન વગર પરત ફરવું પડ્યું હતું. સુપ્રીમ કોર્ટે તમામ વયની મહિલાઓને સબરીમાલા મંદિરમાં દર્શન કરવાની છૂટ આપી હતી.
ત્યારબાદ વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યા હતા. પ્રદર્શનકર્તાઓનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદા ધાર્મિક પરંપરાની વિરૂદ્ધ છે. પ્રદર્શનકર્તાઓએ હિંસક પ્રદર્શન યોજ્યા હતા. બે મહિલાઓના મંદિર પ્રવેશ બાદ મંદિરનું શુદ્ધિકરણ કરાયું હતું.