અમદાવાદ, તા.૨૩
શાહઆલમ વિસ્તારમાં ગત ગુરૂવારે અમદાવાદ બંધના એલાનના દિવસે પોલીસ પર થયેલા હુમલા સંદર્ભે પોલીસે આડેધડ ધરપકડ શરૂ કરતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ વિપક્ષના નેતા બદરૂદ્દીન શેખએ આજરોજ ક્રાઈમ બ્રાંચના ડીસીપીને રૂબરૂ મળી પુરાવાના આધારે ગુનેગારોની ભલે ધરપકડ કરવામાં આવે, પરંતુ નિર્દોષ લોકોની ધરપકડ ન થાય તે જોવા વિનંતી કરી હતી. શાહઆલમ વિસ્તારમાં તાજેતરમાં નાગરિક અધિકાર કાયદાની વિરૂદ્ધ અમદાવાદમાં બંધ અને ધરણા પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસ અધિકારીઓ સહિત મીડિયા કર્મીઓને ઈજા થઈ તે કમનસીબ બનાવ બાબતે નિંદા સાથે કોંગ્રેસના આગેવાનોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તોફાનોમાં આ જ વિસ્તારના અમુક સજ્જન માનવતાવાદી લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકી પોલીસ જવાનોના જીવ બચાવી માનવતા મહેકાવી હતી. સુખદ બાબત એ છે કે, હાલ વિસ્તારમાં શાંતિ પ્રવર્તી રહી છે. એમ જણાવી ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને બદરૂદ્દીન શેખએ જણાવ્યું હતું કે, પુરાવાના આધારે ગુનેગારોની ધરપકડ કરવામાં આવે તેની સામે અમોને કોઈ વાંધો નથી, પરંતુ નિર્દોષ લોકોની રાજકીય દોરીસંચાર હેઠળ ધરપકડ ન થાય તે જોવા વિનંતી કરી હતી. ખૂબ જ દુઃખદાયક બાબત છે કે, શાહઆલમ વિસ્તારમાંથી લોકોની સાથે મહિલાઓની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તે પૈકી એક મહિલાને તો તેના એક મહિનાના બાળક સાથે ધરપકડ કરી જેલના હવાલે કરેલ છે. શું એક મહિલા આવું કૃત્ય કરી શકે ? માનવતાના ધોરણે સીસીટીવી ફૂટેજની યોગ્ય ચીવટભરી ચકાસણી કરી નિર્દોષ લોકો અને મહિલાઓને ઝડપથી મુક્ત કરવાની કાર્યવાહી કરવા માગણી કરી હતી.