(એજન્સી) કોલંબો, તા. ૨૯
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેના દ્વારા આશ્ચર્યજનક રીતે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને હટાવી દેતા તેમના સ્થાને પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપાકસેએ આજે શપથ ગ્રહણ કર્યા હતા. આ ઘટનાક્રમમાં છેલ્લા થોડા દિવસથી દેશમાં રાજકીય કટોકટીનો માહોલ ઊભો થયો છે. કાઢી મુકાયેલા વડાપ્રધાન વિક્રમસિંઘે દ્વારા ઉપયોગમાં ન લેવાતા સચિવો સાથે રાજપાકસાએ વડાપ્રધાનની ફરજો ગ્રહણ કરી હતી તેમ શ્રીલંકા પીપલ્સ પાર્ટીએ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ સિરિસેનાએ શુક્રવારે રાતે વિક્રમસિંઘેને કાઢી મુકી તેમના સ્થાને રાજપાકસાને નવા વડાપ્રધાન ઘોષિત કર્યા હતા જે નિર્ણયે બંધારણીય બદલીઓ માટે મોટી ચર્ચા જગાવી છે. પોતાની બહુમતી પુરવાર કરવા માટે વિક્રમસિંઘેએ ઇમરજન્સી સંસદનું સત્ર બોલાવવાની હાકલ કર્યા બાદ સિરિસેનાએ ૧૬મી નવેમ્બર સુધી સંસદ પણ મોકૂફ કરી દીધી હતી. રવિવારે શ્રીલંકાના સંસદીય સ્પીકર કારૂ જયસૂર્યાએ વિક્રમસિંઘેને વડાપ્રધાન તરીકે માન્યતા આપી હતી. બીજી તરફ મહિન્દા રાજપાકસાની પાર્ટીએ કહ્યું હતું કે, નાણા, કાયદો વ્યવસ્થા, વિદેશ અને ગૃહ જેવા મંત્રાલયોના મંત્રીઓ જ શપથ લેશે. દરમિયાન વિક્રમસિંઘે ટેમ્પલ ટ્રીઝ અથવા વડાપ્રધાન નિવાસમાં રહેવાનું ચાલુ રાખશે. રાષ્ટ્રપતિ સિરિસેનાએ કોલંબો ખાતેના રાજદ્વારીઓને સોમવારે સાંજે પાંચ વાગે બેઠક માટે બોલાવ્યા હતા.