અમદાવાદ, તા.૧૪
કેમ છો ટ્રમ્પ ? અમદાવાદના મોટેરા સ્ટેડિયમના ઉદ્‌ઘાટન પ્રસંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મહેમાનગતિ માણવા આવવાના છે, ત્યારે ટ્રમ્પની સુરક્ષાને લઈને પોલીસ તંત્રએ મોટાભાગની તૈયારીઓ કરી લીધી છે, તેમજ અમેરિકાની સિક્રેટ સર્વિસના એજન્ટો પણ ટ્રમ્પની સુરક્ષાને લઈને તૈયારીમાં લાગી ગયા છે, ત્યારે સિક્રેટ સર્વિસ એજન્ટોની ટીમ અને એસપીજીની એક ટીમ સોમવારે અમદાવાદ આવીને સુરક્ષાની ચકાસણી કરશે. ત્યારે ટ્રમ્પની સુરક્ષા માટે પાણીમાં સ્પાય કેમેરા લગાવાશે, જ્યારે ગટરો પર લોખંડની જાળી લગાવાશે, તો આકાશમાં નો ફ્લાય ઝોન જાહેર કરાશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા સિક્યુરીટીને લઇ અમેરિકન સિક્રેટ સર્વિસના ૩૦ એજન્ટો એસપીજી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અમદાવાદ પોલીસે સૂચવેલા ત્રણ સંભવિત રૂટ તેઓને બતાવવામાં આવશે. સમગ્ર રૂટ પર કેવો છે અને કેટલી અને કેવી સિક્યુરિટી રખાશે તેની માહિતી વ્હાઈટ હાઉસને મોકલાશે. રૂટ ઉપરાંત તેઓ ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લેવાના છે. સૌથી મોટો અને જાહેર કાર્યક્રમ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં હોય તેમાં કેવી સિક્યુરિટી હશે તેનું સમગ્ર નિરીક્ષણ અમેરિકન સિક્રેટ સર્વિસના આ એજન્ટ્‌સ કરશે. આ એજન્ટ્‌સ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ માટે જે રૂટ અને સિક્યુરિટીની વ્યવસ્થા નક્કી કરવાં આવશે તે મુજબ અમદાવાદ પોલીસ આખા કાર્યક્રમની સિક્યુરિટી ગોઠવશે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અમેરિકન સિક્રેટ સર્વિસની ૩૦૦ લોકોની ટીમ આવશે. જે એરપોર્ટથી ગાંધીઆશ્રમ, હોટલ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની સિક્યુરિટી સંભાળશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ત્રણ સંભવિત રૂટ, ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં સિક્યુરિટીનો આખો મેપ રવિવાર રાત સુધીમાં બની જશે. સોમવારે અમેરિકન સિક્રેટ સર્વિસના એજન્ટોને સમગ્ર સિક્યુરિટી બતાવી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ અહીં આવી જશે ત્યાર પછી આકાશમાં નો ફ્લાય ઝોન જાહેર કરાશે. એટલે કોઇપણ પ્લેન આકાશમાં ઉડશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ રિવરફ્રન્ટનો પણ નજારો માણશે. એટલે તેની આસપાસ અને સાબરમતી નદીનાં પાણીમાં પણ અદ્યતન સુરક્ષા ગોઢવવામાં આવશે. પાણીમાંથી કોઇ હુમલો ન કરી શકે તે માટે આજે અમેરિકાની સિક્રેટ એજન્સી પણ ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે, અમેરિકાની સિક્રેટ એજન્સી આજે અમદાવાદ આવી પહોંચશે. સિક્રેટ એજન્સી સલામતીની સંપૂર્ણ ચકાસણી કરશે અને તે લીલીઝંડી આપશે ત્યારબાદ ટ્રમ્પનું એરફોર્સ-૧ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડીંગ કરશે. અમેરિકાથી સલામતીનાં તમામ સાધનો લઈને કાર્ગો પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવશે. રોડ શોનાં રૂટ ગટરો પર લોખંડની જાળીઓ નખાઇ રહી છેઆ સાથે એરપોર્ટથી મોટેરા સુધી રોડશો કરવાનું આયોજન છે. જેથી આ રૂટ પર આવેલી ગટરોને લોખંડની જાળીથી સીલ કરવામાં આવી રહી છે. જ્યાં સિમેન્ટના ઢાંકણા છે તેને બદલીને લોખંડની જાળીઓ નાખવામાં આવી રહી છે. અમેરિકન સુરક્ષા એજન્સીઓના આદેશ મુજબ તેમજ તેમની સુચના મુજબ ખુલ્લી ગટરો સીલ કરવા માટે મ્યુનિસિપલનું આખુંયે તંત્ર ગટરના ઢાંકણા બદલવા કામે લાગ્યું છે. એરપોર્ટથી ડફનાળા સુધીના માર્ગે પર હાલમાં ગટરની ચકાસણી કરવામાં આવી રહી છે એટલું જ નહી ગટરો પર લોખંડના ઢાંકણાને વેલ્ડીંગ કરીને સીલ કરવામાં આવી રહ્યા છે.