(એજન્સી) તા.૨
તૃણમૂલ કોંગ્રેસના પ્રથમ વખત બનેલ સંસદસભ્ય મહુઆ મોઇત્રા વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઇને પોતાના પ્રતિસાદનો વીડિયો ક્લિપ ટ્‌વીટર પર વ્યાપક રીતે સરક્યુલેટ થવાનું શરુ થયાં બાદ ફરીથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે. દિલ્હીમાં નહેરુ મેમોરીયલ ખાતે ઇન્ડિયા ટુડે દ્વારા આયોજિત એક ઇવેન્ટમાં રાજદીપ સરદેસાઇએ પ.બંગાળના આ સંસદસભ્ય મહુઆ મોઇત્રાને વિપક્ષોમાં સમાન વિચારસરણીના અભાવ, તેમનો આંધળો મોદીવાદ વિરોધ અને શું તેઓ ભયના પરિબળની અતિશયોક્તિ કરી રહ્યાં છે ? એવા પ્રશ્નો પૂછ્યાં હતા. તેના જવાબમાં મહુઆ મોઇત્રાએ જણાવ્યું હતું કે દેશના આત્માને બચાવવા કોઇ સમાન વિચારસરણીની જરુર નથી. અત્યારે સમયની માંગ છે કે આ દેશનો આત્મા બચાવવામાં આવે. મોદી અને ભાજપ આ દેશના બે ભાગલા કરી રહ્યાં છે. આથી આ કોઇ વિચારસરણી કે તેની જેવી બાબત નથી. મહુઆ મોઇત્રાએ ઉમેર્યુ હતું કે વિરોધ પક્ષો દીવાલ તરફ પીઠ રાખીને લડી રહ્યાં છે અને દેશને બચાવવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરી રહ્યાં છે. ૫૦ વર્ષમાં વળતી લડત આપનાર તરીકે અમોને જજ કરવામાં આવશે. અતિશયોક્તિ અંગેના રાજદીપના પ્રશ્નના જવાબમાં મહુઆ મોઇત્રાએ જણાવ્યું હતું કે દેશમાં જે કંઇ ચાલી રહ્યું છે તેની પૃષ્ઠભૂમિમાં રાજદીપ તમે મને એવું કહી રહ્યાં છો કે હું અતિશયોક્તિ કરી રહી છું ? તમે આ બધા પર રિપોર્ટીંગ કરો છો અને હું માત્ર કોમેન્ટ કરું છું.