ભાવનગર,તા.૩
ભાવનગરના મહુવામાં માઇનિંગનો વિવાદ દિવસેને દિવસે વકરતો જઇ રહ્યો છે. એટલે કે બુધવારે માઇનિંગના વિરોધમાં એકઠા થયેલા ગ્રામજનો, પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઉગ્ર ઘર્ષણનો પડઘો ગાંધીનગર સુધી પડ્યો હતો. ત્યારે બીજા દિવસે પણ માઈનિંગના વિવાદમાં આસપાસના ગામડાઓમાં સજ્જડ બંધ પાડી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાવનગરના મહુવામાં ખેડૂતો પોતાની ફળદ્રપ જમીન બચાવવા માટે ૧૦ ગામના ખેડૂતો બીજા દિવસે ભેગા થયા હતા, બુધવારની ઉગ્ર લડત બાદ ખેડૂતોએ હવે ગાંધીચિંધ્યા માર્ગે પ્રસાશનનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. બીજા દિવસે ચોરે ભેગા થયેલા લોકોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન ચાલું કર્યું છે. આ સિવાય ૧૦ ગામની શાળાઓ પણ બંધ કરાવી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. મહુવામાં બુધવારે ખેડૂતોએ કરેલા ઉગ્ર પ્રદર્શનમાં પોલીસે મહિલા અને પ્રદર્શનકારીઓ ઉપર જે રીતે લાઠીચાર્જ કર્યો હતો, તેની સામે ખેડૂતોનો સરકાર વિરુદ્ધ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. બીજા દિવસે સ્કૂલો અને ધંધા રોજગારમાં બંધ પાડી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા હતા. મહુવાના તલ્લી અને ભાભર ગામે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ દ્વારા થતા માઈનીંગનો વિરોધ કરવા ગતરોજ ગ્રામજનો સ્થળ પર ગયા હતા, જ્યાં પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પોલોસે લોકોને અટકાવવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા અને હળવો લાઠીચાર્જ કર્યો હતો. બીજી બાજુ ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ પોલીસ વાહન પર પથ્થરમારો કર્યો હતો. આ પ્રસંગે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. દાઠા પાસેના નીચા કોટડા ગામે અલ્ટ્રાટ્રેક કંપનીના માઇનિંગના વિરોધમાં ૧૦ ગામના ખેડૂતોએ મોટી સંખ્યા વિશાળ રેલી યોજી હતી.ખેડૂત આગેવાન કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં વિરોધ કરવા જતાં હતાં તે વેળાએ ખેડૂત અને પોલીસ વચ્ચે મામલો બીચક્યો હતો. પોલીસે ૩૫થી વધુ ટીયરગેસના સેલ છોડ્યા હતા.