(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે જનારા વિપક્ષના પ્રતિનિધિમંડળમાં સામેલ એનસીપીના નેતા માજિદ મેમણે શનિવારે જણાવ્યું કે અમે સરકારનો વિરોધ કરવા માટે નહીં પરંતુ સરકારના સહયોગ માટે જઇ રહ્યા છીએ. ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી શકીએ અને સુધારા માટે સરકારને સલાહ આપી શકીએ તેના માટે અમે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે જઇ રહ્યા છીએ. માજિદ મેમણે એવું પણ કહ્યું કે અમારો ઉદ્દેશ ત્યાં જઇને અશાંતિ સર્જવાનો નહીં પરંતુ ત્યાંની પાયાની વાસ્તવિકતાઓ અને ખીણના લોકો દ્વારા સામનો કરવામાં આવી રહેલા મુદ્દાઓ શોધી કાઢવાનો છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો સહિત વિપક્ષના વિભિન્ન અગ્રણી નેતાઓની અટકાયતથી અમે ચિંતિત છીએ. તેમને ખોટા સમજવા જોઇએ નહીં, એ બાબત ઉપર ભાર આપતા માજિદ મેમણે કહ્યું કે વિપક્ષના નેતાઓ પણ જમ્મુ અને કાશ્મીરના લોકો માટે સમાનરીતે ચિંતિત છે.