(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
કર્ણાટકમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા સિદ્ધારમૈયાએ એવો દાવો કર્યો છે કે કોંગ્રેસના ધારાસભ્યોને આકર્ષવા માટે ભાજપે ૧૦૦ ગણાથી વધુ નાણાની ઓફર કરી છે. એક ટિ્‌વટમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન સ્થિર છે અને રાજકીય વર્તૂળોમાં કરવામાં આવેલી અટકળો મુજબ કોંગ્રેસના કોઇ પણ ધારાસભ્ય મુંબઇ ગયો નથી. સિદ્ધારમૈયાએ એક ટિ્‌વટમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક વ્યક્તિના ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરાવવાનું વચન આપ્યું હતું. આ રકમ કરતા પણ ૧૦૦ ગણી વધુ રકમ અમારા ધારાસભ્યોને ઓફર કરીને ભાજપ તેમને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યો છે. ટિ્‌વટમાં વડાપ્રધાનના વચનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દરેક ભારતીય નાગરિકના બેંક ખાતામાં ૧૫ લાખ રૂપિયા નહીં જમા કરાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારંવાર પ્રહારો કર્યા છે. નરેન્દ્ર મોદી ૨૦૧૪ની ચૂંટણીમાં આ વચન આપ્યું હતું. જે ધારાસભ્યોના નામ મુંબઇ અને પુણે જવાના મીડિયાના અહેવાલોમાં આવ્યા હતા, તેમને દરેકને વ્યક્તિગત રીતે સિદ્ધારમૈયા મળ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે અમારા ધારાસભ્યોએ પક્ષ સાથે વધી વિગતો શેર કરી છે. દરમિયાન, કર્ણાટકના મુખ્યપ્રધાન એચડી કુમાર સ્વામીએ એવો દાવો કર્યો છે કે તેમની સરકાર અસ્થિર કરવાના ભાજપના પગલાથી તેઓ સારી પેઠે વાકેફ છે. ભાજપના નેતાઓએ બુધવારે રાત્રે જેડીએસના ધારાસભ્ય સુરેશ ગોવડા અને કોંગ્રેસના ધારાસભ્ય શિવાલી ચન્નાબસપ્પા સત્યપ્પા સાથે મુલાકાત કરી હતી અને અન્ય ૧૮ ધારાસભ્યોને આકર્ષવામાં સફળ રહ્યા હોવાનો દાવો પણ કર્યો છે.