(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૨૭
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તામાં રહ્યાના ૨૨ વર્ષ બાદ વર્ષ ૧૯૯૨ના સુરતના બોમ્બ ધડાકાના આરોપી એવા માજી ટ્રાન્સપોર્ટ મંત્રી મહંમદ સુરતીના નામને દોહરાવી ગુજરાતની પ્રજાને ડરાવવાનો જાણે ભાજપે રીતસરનો પેંતરો રચ્યો હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. જો કે તેમના પહેલાં જ પોતાના વક્તવ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મહમંદ સુરતીના નામનું ઉચ્ચારણ કર્યું હતું. જો કે વડાપ્રધાનને વર્ષો બાદ ગુજરાતના પનોતા પુત્રો એવા સરદાર વલ્લભભાઇ પટેલ અને મોરારજી દેસાઇ સાથે કોંગ્રેસ દ્વારા ઘોર અન્યાય કરાયો હોવાનું પણ યાદ આવ્યું હતું. જે બાબત બતાવે છે કે, જાણે ભાજપ પાસે હવે પછી ફરી આગામી ચૂંટણી કોમવાદ ઉપર લડ્યા સિવાય જાણે કોઇ આરો જ ન હોવાનું સ્પષ્ટ પ્રતિત થઇ રહ્યું છે. આજે સુરતના પલસાણા તાલુકાના કડોદરા ખાતેના હનુમાન મંદિર ગ્રાઉન્ડ પર ભાજપ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા તેના નિર્ધારિત કલાક કરતા અઢી કલાક મોડી શરૂ થઇ હતી. કારણ કે, વડાપ્રધાન મોદી સમયસર જાહેરસભા સ્થળ પર પહોંચી શક્યા ન હતા. આ સભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગુજરાતના રર વર્ષના શાસનમાં ભાજપે શું કર્યું ? તેવું કોંગ્રેસ ખૂબ જોરશોરથી કહી રહી છે. મારે કહેવું છે કે, રર વર્ષમાં ભાજપની સરકારે ભલભલાને મંદિરે જતા કરી દીધા છે. તેમને યુપી ચૂંટણી વખતે ગુજરાતીઓને ગધેડા કહેનાર કોંગ્રેસીઓને આજે અમે ગુજરાતીઓનો પગ પકડવા મજબૂર કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોગ્રેસને આડેહાથે લેતા જણાવ્યું હતું કે, આ કોંગ્રેસના એક પરિવાર અને કોંગ્રેસને ગુજરાત ખપતું નથી. સરદાર પટેલ સાથે તેમણે જે વ્યવહાર કર્યો હતો તે જાણવું હોય તો તેમની દીકરી મણીબેનની ડાયરી જોવી પડે. ગુજરાત માટે જેમની રગોમાં નફરત છે. તેવા કોંગ્રેસીઓએ મોરારજીભાઇ દેસાઇને પણ છોડ્યા નથી. નોટબંધી મુદ્દે કહેતા જણાવ્યું હતું કે, નોટ ગઇ તા.૮ મી નવેમ્બર નોટબંધી અમલમાં આવ્યા બાદ હજુ કેટલાક લોકોને ઉંઘ આવી નથી. નોટબંધીને કારણે રૂા.૧૮ લાખ કરોડનું કાળુ નાણું ધ્યાને આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પ્રથમ તબક્કાના ઈલેક્શન માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કડોદરા ખાતે પ્રચાર અર્થે આવી પહોંચ્યા હતા. નિર્ધારિત ત્રણ વાગ્યાના સમય કરતાં વડાપ્રધાન લગભગ દોઢેક કલાક મોડા પહોંચ્યા હતા જ્યાં વિશાળ જનસંખ્યામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લાની ૧૬ બેઠકો માટે મત માંગ્યા હતા સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે ઊંઘ પણ નથી આવતી અને ખોટા આક્ષેપો કરે છે. ૨૨ વર્ષના હિસાબમાં મોદીએ કહ્યું કે, અમે ભલભલાને મંદિરે જતાં કરી દીધા છે.