(એજન્સી)નવી દિલ્હી, તા.ર૧
પોતાની પ્રતિભા અને સખત પરિશ્રમ સાથે કેરળના કોઝીકોડની મજીઝિયા એક હિજાબધારી બોડીબિલ્ડર છે જેમણે મીડિયાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેણી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી કરી રહી હતી ત્યારે તેમના પહેરવેશને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે ર૩ વર્ષીય મજીઝિયા સૌને વળતો જવાબ આપતા ઓક્ટોબરમાં તુર્કીમાં યોજાનાર વિશ્વ આર્મ રેસ્લિંગ ચેમ્પિયનશીપમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. સામાન્ય રીતે બોડી બિલ્ડિંગનું નામ સાંભળતા જ આપણને અર્ધનગ્ન અવસ્થામાં યુવકો ધ્યાનમાં આવે છે. પરંતુ હવે મહિલાઓ વચ્ચે પણ બોડી બિલ્ડિંગ સામાન્ય વાત બની રહી છે. ૧૯૭૦માં આ ક્ષેત્રે પ્રવેશ કરી મહિલાઓએ અનેક પૂર્વાગ્રહો તોડ્યા પરંતુ મજીઝિયા હિજાબ સાથે અનેક લોકોને જડબાતોડ જવાબ આપી રહી છે.
મજીઝિયા બોડી બિલ્ડિંગ ક્ષેત્રે નવી ખેલાડી છે પરંતુ તેણી વેટલિફ્ટિંગની ચેમ્પિયન રહી ચૂકી છે. તેણી સાથે પાવરલિફ્ટિંગની તાલિમ તો હતી પરંતુ બોડી બિલ્ડિંગ ક્ષેત્રે તેણી પાસે કોઈ અનુભવ ન હોવાથી તેણી પોતાના કોચ પાસે વોટ્‌સએપના માધ્યમથી જ્ઞાન મેળવી તાલીમ લીધી હતી. તેણી ત્રણ વાર સ્ટ્રોન્ગ વુમન ઓફ કેરલનો ખિતાબ જીતી ચૂકી છે અને ર૦૧૭માં એશિયન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવી ચૂકી છે. તેણીનું માનવું છે કે, ખેલાડીની ફિટનેસના આધારે તેનું મૂલ્યાંકન થવું જોઈએ, પછી તેનો પહેરવેશ ગમે તે હોય. તેણી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવાનું સ્વપ્ન સેવી રહી છે.