(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૦૩
આણંદ જિલ્લાનાં બોરસદ તાલુકામાં આવેલી વિવિધ પ્રાથમીક શાળાઓમાં વિતરણ માટેની સાયકલો બોરસદની જે.ડી. પટેલ હાઈસ્કુલમાં ઉતારવામાં આવી છે અને અહીંયાથી સાયકલો શાળાઓમાં પહોંચાડવામાં આવે છે. ત્યારે વિવિધ શાળાઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ પાસે સાયકલોને વાહનોમાં ચઢાવવા ઉતારવાની મજુરી કરાવવામાં આવે છે. તેમજ જીવના જોખમે તેઓને વાહનો પર બેસાડી વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે બોરસદ તાલુકાના ગોરેલ ગામની ઉત્તરબુનીયાદી પ્રા.શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે સાયકલો ચઢાવવાની મજુરી કરાવી જીવના જોખમે વિદ્યાર્થીઓને ટ્રેકટરની પાછળ ટ્રોલીમાં મુકેલી સાયકલો પર બેસાડવામાં આવ્યાં હતાં. જેને લઈને બાળકો પાસે મજુરી કરાવતાં આચાર્ય અને શિક્ષકો વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે. આ અગાઉ પણ કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસે સાયકલો ભરાવવાની મજુરી કરાવવામાં આવતી હોવાની વિગતો ઉજાગર થયા બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. તેને લઈને વાલીઓમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે.