(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૬
શહેરના કારેલીબાગ બુદ્ધદેવ કોલોની પાસે આવેલી વિષ્ણુકુંજ સોસાયટીનાં એક મકાનમાં આજે ભીષણ આગ ફાટી નિકળતા નાસભાગ મચી જવા પામી હતી. જોકે, પરિવાર સમયસુચકતા વાપરી બહાર દોડી આવતા પરિવારનો બચાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર કારેલીબાગ બુદ્ધદેવ કોલોની નજીક આવેલ વિષ્ણુકુંજ સોસાયટીનાં મકાન નં.૪૩ માં રહેતાં આ.પી. પટેલ આજે સવારે પોતાના પરિવાર સાથે મકાનમાં હાજર હતા. ત્યારે અચાનક મકાનનાં બેડરૂમમાં આગ ફાટી નિકળતા પરિવારજનો ગભરાઇ ગયા હતા. આગ પ્રસરતા પટેલ પરિવાર બહાર દોડી આવ્યું હતું. જ્યારે મકાનમાં હાજર વૃદ્ધને ઉંચકીને બહાર લઇ જવામાં આવ્યા હતા. જોત જોતામાં આગ પ્રસરી જતાં ધુમાડાનાં ગોટે ગોટા જોઇ આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. બનાવને પગલે વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનાં લાશ્કરો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તથા જોરદાર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આગ શોર્ટસર્કિટનાં કારણે લાગી હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળ્યું છે.