(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૪
જામનગર શહેરમાં ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ચોમાસા પહેલાં શહેરની ભયજનક અને ગમે ત્યારે પડે તેવી ઇમારતો દૂર કરવા નોટીસો આપવાની કામગીરી શરૂ કરાઇ છે. ૧૧૧ ભયજનક ઇમારતોમાંથી ૨૫ જેટલી ઇમારતો ખુદ મકાન માલિકોએ દૂર કરી છે અને આ પ્રકારની કોઇપણ ઇમારત હોય તો જામનગર મહાપાલિકાની ટીપીઓ શાખાને જાણ કરવા મહાપાલિકાએ જણાવ્યું છે. જાણવા મળતી વિગત પ્રમાણે શહેરમાં નવીવાસ, ભોયવાડો, ચૌહાણ ફળી, ત્રણ દરવાજા, કડિયાવાડ, દરબારગઢ, સેન્ટ્રલ બેંક વિસ્તાર, સત્યનારાયણ મંદિર, પંચવટી સોસાયટી, બેડી, રાજગોર ફળી, પોટરીવાળી ગલી, ખોડિયાર કોલોની, રણજીતનગર, સાધના કોલોની વિસ્તારમાં કેટલીક ઇમારતો ભયજનક હોય આવી ઇમારતો દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે. ચોમાસુ ધીરે-ધીરે નજીક આવી રહ્યું છે તેવા અરસામાં તંત્ર દ્વારા શહેરની કેટલીક ઇમારતો ગમે ત્યારે પડી શકે તેમ છે તે માલિક પાડી નાખે અથવા જામનગર મહાપાલિકા પાડે તે રીતની તંત્ર મહેનત કરી રહ્યું છે, અગાઉ પણ મહાપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને તોડી પાડવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. પરંતુ એ નોંધનીય છે કે, જે-જે ઇમારતોને નોટીસ પાઠવવામાં આવે છે ત્યારબાદ તેના માલિક સામે નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આ વખતે કોઇપણ જાતનો અકસ્માત થાય કે જાનહાની થાય તે પહેલાં તાત્કાલિક અસરથી ઇમારતો તોડી પાડવા તંત્રએ મકકમ બનવું જોઇએ.