(એજન્સી) નવી દિલ્હી, તા.૪
જે સ્મારક થોડા સમય પહેલાં એક અજાણ્યા વ્યક્તિનો મકબરો હતો તેના પર ગયા માર્ચ મહિનામાં સફેદ ભગવો રંગકામ કરી તેને શિવ-ભોલા મંદિરમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યો હતો અને તેમાં મૂર્તિઓ સ્થાપવામાં આવી હતી. સફદરગંજ એન્કલેવના હુમાયુપુર ગામમાં આવેલો આ મકબરો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ ર૦૧૭માં તેના જ ફોટાઓ પાડવામાં આવ્યા હતા. તે દર્શાવે છે કે, તેના ચાર પ્રવેશદ્વારો પર હિન્દુ દેવતાઓના ચિત્રોવાળા ટાઈલ્સ જડેલા હતા એનો સ્પષ્ટ અર્થ એ છે કે, આ મકબરાને હિન્દુ મંદિરમાં રૂપાંતરિત કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. એક સમાચારપત્રના અહેવાલ પ્રમાણે આ મકબરાનો ગુંબજ અને મહેરાબની ગેરહાજરી જેવા માળખાકીય તુઘલક અથવા લોદી યુગનો હશે. સરકાર દ્વારા ઘોષિત સ્મારકમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો એ પૂરાતત્ત્વ વિભાગના સિટીઝન ચાર્ટરનો ભંગ છે જેમાં સ્પષ્ટરીતે કહેવામાં આવ્યું છે કે, કોઈપણ સ્મારકની અંદર અથવા બહારની દિવાલ પર કલર અથવા વ્હાઈટવોશ કરી શકાતું નથી. આ ચાર્ટરમાં આમ પણ કહેવામાં આવ્યું છે કે, આ સ્મારકોની મૌખિકતાને નુકસાન ન થવું જોઈએ. આ બાબતમાં દિલ્હી સરકારના પૂરાતત્ત્વ વિભાગથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે તેમની પાસે આ બાબતની કોઈ જાણકારી નથી. તેમણે કહ્યું હતું કે, તે સંબંધિત વિભાગને આ બાબતમાં તપાસ કરવાના આદેશ આપશે. ર૦૧૦માં આ મકબરાનો સમાવેશ ૭૬૭ હેરિટેજ સાઈટસમાં કરવામાં આવ્યો હતો તેનો સમાવેશ ગ્રેડ-૧ યાદીમાં કરવામાં આવ્યો હતો. ર૦૧૪માં પુરાતત્ત્વ વિભાગે ફરીથી આ મકબરાને હેરિટેજ સાઈટ જાહેર કરી હતી. ગયા વર્ષે ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરીટેજ (આઈએનટીએસીએચ) દ્વારા આ મકબરાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિકોના વિરોધને કારણે તેઓ સમારકામ કરી શકયા ન હતા. આઈએનટીએસીએચના પ્રોજેક્ટ ડાયરેકટર અજયકુમારે કહ્યું હતું કે, આ મકબરા પર તાળું લાગેલું હતું અને સ્થાનિક રહેવાસીઓના વિરોધને કારણે સમારકામ વિલંબ થયો હતો. ત્યારબાદ અમે પોલીસ પાસે ગયા હતા. પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. હવે આ મંદિર બની ગયું છે અને આપણે એક સ્મારક ગુમાવી દીધું. આ વિશે ભાજપના સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર રાધિકા અબરોલ ફોગાટે કહ્યું હતું કે, આ સ્મારકને મારી જાણ બહાર મંદિરમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્ય તરફ પૂર્વ ભાજપ કાઉન્સિલરે આંખ આડા કાન કર્યા હતા. મેં પણ આ પગલાંનો વિરોધ કર્યો હતો પરંતુ આ એક સંવેદનશીલ મુદ્દો છે અને દેશમાં જે ચાલી રહ્યું છે તે જોતા મંદિરને કોઈ અડી પણ શકશે નહીં.