(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૮
સુરત શહેરના પુણા વિસ્તારમાં ફૂટવેરની દુકાનમાં શોર્ટસર્કિટથી લાગેલ આગે ગણતરીના સમયમાં જ સમગ્ર દુકાનને ખાખ કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના કાફલાએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને દુકાનમાં કોઇ ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં, તે અંગે પણ ફાયરના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. જો કે, સદનસીબે કોઇપણ જાતની જાનહાનિ થવા પામી ન હતી. ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પુણા વિસ્તારમાં આવેલા ભૈયાનગરમાં ફૂટવેરની દુકાનમાં શોર્ટસર્કિટથી આગ લાગી ગઈ હતી. આ આગ એટલી પ્રચંડ હતી કે, ગણતરીના સમયમાં આગે સમગ્ર દુકાનમાં ફરી વળી હતી. બાદમાં આગ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગમાં દુકાનમાં રહેલો સામાન બળીને ખાક થઈ ગયો હતો. દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે કેમ, તે અંગેની અને અન્ય તપાસ ફાયરબ્રિગેડના અધિકારીઓએ હાથ ધરી છે. સદ્‌નસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી ન હતી.