(એજન્સી) તા.૨૧
જોકે માલેગાંવ બ્લાસ્ટ કેસની આરોપી અને ભાજપની સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને સંરક્ષણ બાબતોની સંસદની સલાહકાર સમિતિમાં સ્થાન અપાતા ફરી વિવાદ સર્જાયો છે. માહિતી અનુસાર મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપની સાંસદ અને માલેગાંવ બ્લાસ્ટ કેસની આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને સંરક્ષણ મંત્રાલયની કમિટીમાં જવાબદારી મળી છે. સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની કમિટીની સભ્ય બનાવવામાં આવી છે. આ કમિટીની આગેવાની સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરી રહ્યાં છે. પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહેનારી સાધ્વી પ્રજ્ઞાએ આ વખતે ભોપાલથી જીત મેળવી હતી. લોકસભા ચૂંટણીમાં તેના કેટલાક નિવેદનો પર વિવાદ થયો હતો. ડિફેન્સ મામલાની આ કમિટીમાં કુલ ૨૧ સભ્યો છે, જેમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું નામ પણ છે. કમિટીના ચેરમેન રાજનાથ સિંહ સિવાય ફારૂક અબ્દુલ્લા, એ.રાજા, સુપ્રિયા સુલે, મીનાક્ષી લેખી, રાકેશ સિંહ, શરદ પવાર, જેપી નડ્ડા વગેરે સભ્ય શામેલ છે. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જ્યારથી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા ત્યારથી તેમના નિવેદન ચર્ચામાં રહ્યાં છે. પછી તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવવાનો હોય કે પછી વિપક્ષના નેતાઓ પર ભાજપના નેતાઓ ઉપર મારક શક્તિના ઉપયોગ કરવાનો હોય. પ્રજ્ઞા વિવાદમાં રહી છે. જોકે કોંગ્રેસે તરત જ આ બાબત પર પ્રતિક્રિયા આપી દીધી છે.કોંગ્રેસે કહ્યુ છે કે, ભાજપની કરની અને કથનીમાં ફરક છે કારણકે સાધ્વી પ્રજ્ઞા માટે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હું તેમને ક્યારેય મનથી માફ નહી કરી શકું.કોંગ્રેસના નેતા જયવીર શેરગીલે વધુમાં ટિ્‌વટ કરીને કહ્યુ છે કે, પ્રજ્ઞા ઠાકરુને ડિફેન્સ કમિટીમાં સામેલ કરાયા છે.જેમની સામે બોમ્બ બ્લાસ્ટનો કેસ ચાલી રહ્યો છે પણ ચિંતાની વાત નથી.ભારત માતા કી જય.એવુ લાગે છે કે, નાથૂરામ ગોડસેના ભક્તોના સારા દિવસો આવી ગયા છે. સાધ્વીએ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા અને આ મામલે વિપક્ષોએ હંગામો પણ મચાવ્યો હતો.એ પછી પીએમ મોદીએ નિવેદન આપવુ પડ્યુ હતુ.આ મામલામાં તેમને ભાજપે શો કોઝ નોટીસ પણ આપી હતી. લોકસભાની ચૂંટણી સમયે જ્યારે સાધ્વી પ્રજ્ઞાએ નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા ત્યારે વિપક્ષે હંગામો કર્યો હતો. વધતા વિવાદ બાદ પીએમ મોદીએ પણ નિવેદન આપ્યું હતું કે તે ક્યારેય પણ સાધ્વી પ્રજ્ઞાને મનથી માફ નહીં કરી શકીએ. આ પછી બીજેપીની તરફથી સાધ્વી પ્રજ્ઞાને વિવાદિત નિવેદનના કારણે કારણ આપતી નોટિસ ફટકારવામાં આવી હતી અને અનુશાસનાત્મક કમિટીને કેસ સૌંપવામાં આવ્યો હતો.

આતંકવાદની આરોપી પ્રજ્ઞા ઠાકુરના સંરક્ષણ અંગેની સંસદીય પેનલમાં સમાવેશ ‘આપણા દેશના સંરક્ષણ દળોનું અપમાન’

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
ભોપાલમાંથી લોકસભા સાંસદ અને આતંકવાદના આરોપી ભાજપના નેતા પ્રજ્ઞાસિંહ ઠાકુરને સંરક્ષણ અંગેની સંસદીય સમિતિમાં સામેલ કરવા બદલ મોદી સરકાર પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા. આ ઘટનાને કોંગ્રેસે દેશના સંરક્ષણ દળોનું અપમાન ગણાવ્યું હતું. કોંગ્રેસના ટ્‌વીટ કહેવાયું છે કે, ભાજપ સરકાર દ્વારા આતંકવાદની આરોપી અને ગાંધીના હત્યારા ગોડ્‌સેની પ્રશંસક પ્રજ્ઞા ઠાકુરને સંરક્ષણ અંગેની સંસદીય સમિતિમાં નિયુક્ત કરાઈ છે. આ બાબત દેશના સંરક્ષણ દળોનું અપમાન છે. એટલું જ નહીં સંસદ અને દરેક ભારતીયોનું પણ અપમાન છે. ર૧ સભ્યોની સંસદની આ સમિતિના અધ્યક્ષ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ છે. કોંગ્રેસે કહ્યું કે, અંતે મોદીજીએ પ્રજ્ઞા ઠાકુરને માફ કરી દીધી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ગોડસેની પૂજા બદલ પ્રજ્ઞા ઠાકુર અંગે જણાવ્યું હતું કે, તેને તેઓ ક્યારેય મનથી માફ નહીં કરે. સંસદમાં મોદીએ કહ્યું હતું કે, પ્રજ્ઞાએ માફી માગી છે એ જૂદી વાત છે પણ હું મનથી ક્યારેય માફ નહીં કરું. ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞા ઠાકુર માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે જ્યારે તેને મુંબઈ હુમલામાં શહીદ થયેલા એટીએસના પ્રમુખ હેમંત કરકરે વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને સાથે જ ગાંધીજીના હત્યારા ગોડસેની પ્રશંસા કરી હતી.