(એજન્સી)
લુધિયાણા, તા.૧૭
પંજાબમાં અત્યાર સુધીમાં સીએએના વિરોધમાં સૌથી મોટા પ્રદર્શનનું આયોજન કરવા માટે રવિવારે જુદી-જુદી ચૌદ સંસ્થાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યો હતો. આ પ્રદર્શનમાં હજારો મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં મોટાભાગની મહિલાઓએ બુરખા પહેર્યા હતા અને તેઓ આ પ્રદર્શનના ભાગરૂપે મલેરકોટલાની શેરીઓમાંથી અનાજના બજાર સુધી ચાલતા ગયા હતા. સમગ્ર રાજ્યના લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હોવાથી રવિવારે નાના શહેરના અનાજ બજારમાં ઘણા બધા વાહનોએ પ્રવેશ કર્યો હતો. ઘણા લોકો ટ્રેન મારફતે અહીં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પગપાળા અનાજ બજાર સુધી પહોંચ્યા હતા.
જ્યારે બસ મારફતે આવેલા લોકો પણ અનાજ બજાર સુધી પહોંચવા માટે પગપાળા ગયા હતા. સીએએ વિરોધી પ્રદર્શનમાં ભાગ લેવા માટે પહોંચેલા આ લોકોના હાથમાં પોસ્ટર્સ પણ જોવા મળ્યા હતા. સાથે જ તેઓ ‘‘આઝાદી’’ના સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. અનાજ બજાર ખાતે ભાષણ આપવામાં આવે તે પહેલાં પ્રેક્ષકો માટે નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતી કિશન યુનિયન (બીકેઓ) (ઉગ્રાહન)એ આ રેલી યોજનાર યુનિયનોમાંનું મુખ્ય યુનિયન હતું. આ રેલીમાં શાહીનબાગ, જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને નવી દિલ્હી તેમજ અન્ય પ્રતિનિધિ મંડળોએ પણ ભાગ લીધો હતો. બીકેયુ (ઉગ્રાહન)ના સામાન્ય સચિવ સુખદેવસિંઘ કોકરી કાલને કહ્યું કે, આગામી ર૪થી ર૯ ફેબ્રુઆરી સુધી પંજાબમાં વિરોધ પ્રદર્શન સપ્તાહનું આયોજન કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન અને તે પૂર્ણ થયા બાદ મોદી સરકાર દ્વારા ફેલાવવામાં આવેલી સાંપ્રદાયિક નફરતની વિરૂદ્ધમાં સંદેશાઓનો પ્રચાર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા તમામ લોકો દ્વારા એવી પ્રતિજ્ઞા લેવામાં આવી છે કે, તેઓ કેન્દ્રમાં રહેલી ભાજપ સરકારને ધર્મને આધારે દેશમાં ભાગલા પાડવા દેશે નહીં.