કુઆલાલામ્પુર,તા.૧૪
મલેશિયાની એક નદીમાં ઝેરી કચરો ફેંકવાને કારણે બાળકો સહિત હજારો લોકો બીમાર પડી ગયા છે અને દેશની ૧૦૦થી વધુ શાળાઓ બંધ કરાવવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક ટ્રકે ગયા સપ્તાહે દક્ષીણી જોહોર રાજ્યમાં ઝેરી કચરો ફેંક્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ વાળો ધૂમાડો ફેલાઇ ગયો હતો. આનાથી સમગ્ર વિસ્તારના લોકો ઉબકા અને ઉલટી જેવી બીમારીથી પીડાઇ રહ્યા છે.
૫૦૦થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી સૌથી વધુ શાળામાં જનારા બાળકો છે. આ ઉપરાંત ૧૬૦થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કયા પ્રકારની ઝેરી ગેસ ફેલાઇ છે. શિક્ષા મંત્રી મસ્જલી મલિકે બુધવારે સમગ્ર વિસ્તારની ૪૩ શાળાઓને બંધ કરવાના આદેશ આપ્યા હતા. પરંતુ ત્યારબાદ ૧૦૦થી વધુ શાળાઓને બંધ કરી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષા મંત્રાયલે પૈસિર ગુડાંગ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ૧૧૧ શાળાઓને બંધ કરવાના આદેશ આપ્યા હતા. અઠવાડિયાની શરૂઆતમાં જ ઝેરી કચરો ફેંકવા મામલે ત્રણ વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી એક વ્યક્તિને વહેલી તકે કોર્ટની સમક્ષ હાજર કરવામાં આવશે. જો કોઇપણ વ્યક્તિ પર્યાવણ સંરક્ષણ કાયદાના ઉલ્લંઘન કરવાનો દોષિ જાહેર કરવામાં આવશે તો તેને પાંચ વર્ષ સુધી સજા થઇ શકે છે.