(એજન્સી) તા.૫
મલેશિયાના વડાપ્રધાન મહાથિર મોહંમદે મે મહિનામાં અણધારી રીતે વડાપ્રધાનના પદ માટે વિજય મેળવ્યો ત્યારે તેમણે પોતાના પુરોગામી હેઠળ જંગી ભ્રષ્ટાચાર કૌભાંડમાં ગુમાવેલા નાણા ફરીથી પ્રાપ્ત કરવાના પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરવા સંકલ્પ કર્યો હતો. પૂર્વ વડાપ્રધાન નજીબ રઝાક આઇએમડીબી તરીકે ઓળખાતા સરકારી ભંડોળમાંથી લાખો ડોલર્સની ઉઠાંતરી કરી હોવાનો આક્ષેપ થયો છે. મહાથિરની અન્ય અગ્રીમતામાં દેશનું ૨૫૦ અબજ ડોલરનું દેવું કાબૂ હેઠળ લાવવાની હતી અને આ સપ્તાહે તેમણે જાહેરાત કરી હતી કે સરકારે આ દેવા માટે હવે ક્રાઉડ ફંડિંગ શરુ કરવાનો નિર્ણય કર્યો છે. માત્ર ૨૪ કલાકમાં મલેશિયા હોપ ફંડ દ્વારા ૨૦ લાખ ડોલર એકત્ર થઇ ગયા હતા એવું બીબીસીના અહેવાલમાં જણાવાયુ હતું. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લોકો દેવાનો બોજ હળવો કરવા માટે પોતાની કમાણીનો અમુક હિસ્સો સરકારને આપવા સ્વૈચ્છિક રીતે તૈયાર છે. તેમણે એવી જાહેરાત કરી હતી કે દેશના દેવામાંથી છૂટકારો મેળવવા માટે સહાયભૂત થવા રચવામાં આવેલ સ્પેશિયલ ફંડમાં સરકાર દાન સ્વીકારશે. મંત્રાલયે તમામ નાગરિકોને આ માટે દાન આપવા અપીલ કરી હતી. સરકારને હવે આશા છે કે ગયા મહિને શાંતિપૂર્ણ રીતે સત્તા પરિવર્તન બાદ મલેશિયાવાસીઓમાં જે રાષ્ટ્રભક્તિની લહેર ઊભી થઇ છે તેના પર તે સવાર થઇ શકે છે. વાસ્તવમાં ૨૦ લાખ કરોડની ઇકોનોમિ ધરાવતા મલેશિયા પર રૂા. ૧૯ લાખ કરોડનું દેવું છે. વડાપ્રધાન મહાથિર મોહમદે જણાવ્યું હતું કે લોકો દેશને ખૂબ પ્રેમ કરે છે જ્યારે તેમને ખરાબ સ્થિતિની ખબર પડી ત્યારે સરકારને સ્વૈચ્છિક રીતે દાન આપવા તૈયાર થઇ ગયા. નાણાપ્રધાન લીમ કુવાનઇંગના જણાવ્યા અનુસાર આ ફંડના વ્યવસ્થાપન માટે સુરક્ષિત અને પારદર્શી પ્લેટફોર્મ બનાવવામાં આવ્યો છે કે જેથી લોકો પૈસાનો યોગ્ય ઉપયોગ કરે. ક્રાઉડ ફંડીંગનો વિચાર ૨૭ વર્ષના નીક સઝારીના બક્તીને આવ્યો હતો કે જેમણે મલેશિયાને દેવામાંથી મુક્ત કરવા માટે મદદ કરવા એક ખાનગી ક્રાઉડ ફંડીંગ પહેલ હાથ ધરી હતી. તેમણે સરકાર આગળ આવે તે પહેલા ૩૫૦૦ ડોલર ઊભા કર્યા હતા.