(એજન્સી) તા.૪
રવિવારે પોલીસના સૂત્રોએ આપેલી માહિતી મુજબ કુઆલાલમ્પુર ખાતેથી મલેશિયાની પોલીસે આઇએસઆઇએસ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાની આશંકા હેઠળ અબુ સય્યાફ ઇસ્લામિક ગ્રુપના નેતા અને અન્ય સાત સભ્યોની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે હજ્જાર અબ્દુલ મુબિન જે અબુ અસરાઇ તરીકે પણ ઓળખાય છે તેમની અટકાયત કરી છે. જોકે હજ્જાર એ ફિલિપાઇન્સનો નાગરિક છે અને તેની સાથે વધુ એક ફિલિપાઇન્સના નાગરિક અને અન્ય છ મલેશિયન નાગરિકની બોરેનો સ્ટેટ સાબાહ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ તમામ ધરપકડની માહિતી સૌથી પહેલા ઇંગ્લિશ ડેલી ધી સ્ટાર દ્વારા આપવામાં આવી હતી. રોમન કેથોલિક ફિલિપાઇન્સમાં અબુ સય્યાફ સંગઠન પર બોમ્બમારો, માથા વાઢી નાખવા, ખંડણી માગવી, અપહરણ કરવા જેવા કૃત્યો કરવાનો આરોપ છે. તમને જણાવી દઇએ કે મલેશિયામાં ર૦૧૩-૧૬ દરમિયાન અત્યાર સુધી લગભગ રપ૦ જેટલા શકમંદોને આઈએસ સાથે જોડાયા હોવાની શંકા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જોકે મલેશિયાની સરકાર આઇએસના આતંકીઓનો પ્રભાવ વધતાં ચિંતામાં આવી ગઇ છે. કારણ કે સીરિયા, ઇરાક અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં આઇએસના પરાજયને કારણે હવે આઇએસના આતંકીઓ જુદા જુદા દેશોમાં ફેલાવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મે મહિનામાં જ આઇએસના સમર્થક આતંકીઓએ મારાવી શહેર પર કબજો જમાવી લીધો હતો જે ફિલિપાઇન્સમાં આવેલ છે. તેમાં ૬ર૦ આતંકીઓ, ૧૩૬ સૈનિકો અને ૪પ નાગરિકોનાં મોત થયા હતા. અહીં ૧૦૦ દિવસ જેટલી લડત ચાલી હતી.