(એજન્સી)
કુઆલાલમ્પુર, તા. ૨૩
મલેશિયાના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય શીખને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય મૂળના રાજનેતા ગોબિંદસિંહને કેબિનેટ મંત્રી બનાવાયા છે. દેશના મંત્રીના રૂપમાં નિયુક્તિ પામનારા તેઓ લઘુમતી સમુદાયના પ્રથમ વ્યક્તિ છે. ૪૫ વર્ષના ગોબિંદસિંહને સંચાર તથા મલ્ટિમીડિયા મંત્રી નિયુક્ત કરાયા છે. દેવ પાકતન હરપન ગઠબંધનના મંત્રીમંડળમાં સામેલ બે ભારતીયોમાંથી એક છે. આ ઉપરાંત ડેમોક્રેટિક પાર્ટીના ભારતીય મૂળના સાંસદ એમ કુલાસેગરનને માનવ સંસાધન મંત્રી બનાવવામાં આવ્યા છે. દેવ મલેશિયન સંસદમાં પુચોંગ મતદાન વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વડાપ્રધાન મહાતિર મોહમ્મદે તેમને નવા મંત્રીમંડળમાં સામેલ કર્યા જે બાદ સોમવારે નેશનલ પેલેસમાં આયોજિત સમારોહ દરમિયાન તેમણે શપથ લીધા હતા. દેશના પંજાબી સમુદાયે તેમની નિમણૂકનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મલેશિયામાં શીખોની વસતી આશરે એક લાખ જેટલી છે.