(એજન્સી) કુઆલાલમ્પુર, તા. ૪
મુસ્લિમ ઉપદેશક ઝાકિર નાઇકને બુધવારે રાત્રે મલેશિયાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવવાનું હોવાના અહેવાલો મીડિયામાં આવ્યાને પગલે મલેશિયાના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આઇજીપી)એ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે બુધવારે રાત્રે ઝાકિર નાઇકનું ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવશે નહીં. ઝાકિર નાઇક વિશેના ભારતીય મીડિયાના અહેવાલોમાં સત્ય નથી. મલેશિયાના સૌથી જૂના ન્યૂઝ પોર્ટલ ધ સ્ટાર સાથેની વાતચીતમાં તાન શ્રી મોહમ્મદ ફુઝી હારૂને બુધવારે રાત્રે ઝાકિર નાઇકને ભારતીય સત્તાવાળાઓને સોંપી દેવામાં આવવાના હોવાના ભારતીય મીડિયાના અહેવાલો નકારી કાઢ્યા છે. સ્ટાર દ્વારા હારૂનને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે આ સાચું નથી. આજે રાત્રે ઝાકિર નાઇકનું ભારતને પ્રત્યાર્પણ કરાશે નહીં. મલેશિયાના અજ્ઞાત સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આજે બુધવારે રાત્રે ઝાકિર નાઇક મલેશિયા બહાર હશે. વિમાન દ્વારા તેઓ ભારત જવાના છે.