ડીસા, તા.૧પ
ડીસામાં તિરૂપતિ સિડ નામની દુકાન ધરાવતા અજય ચમનભાઈ પઢિયાર તરબૂજ તેમજ ટેટીના બિયારણની ગોલ્ડ ગ્લોરી નામની કંપનીની એજન્સી ધરાવે છે અને તેઓ કંપનીમાંથી આવતો માલ ખેડૂતોને વેચે છે જેથી ઓરીજનલ માલના કારણે ખેડૂતને ઉપજમાં સારો ફાયદો થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગોલ્ડ ગ્લોરી કંપનીનું ટેટી બિયારણ માધવી ફૂડ નામની દુકાનમાં એજન્સી કરતા સસ્તા ભાવે વેચી રહ્યા હોવાની જાણ એજન્સીના સંચાલક અજયભાઈને થતાં તેઓ એમના પુત્ર અને ભાઈ સાથે એજન્સીમાં તપાસ અર્થે ગયા હતા જે સમયે આ બિયારણના બે પાઉચ માધવી ફૂડમાંથી મળી આવ્યો હતો. જો કે, બિયારણ મળતાં જ અજયભાઈએ દુકાનદારને ઠપકો આપી ખેડૂતોને છેતરો છો કેમ આવું કહેતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે સમયે માધવીના સંચાલકો અને અન્ય લોકો મળી અજયભાઈ તેમના પુત્ર સિદ્ધ અજયભાઈ પઢિયાર અને વિનય પઢિયાર પર તૂટી પડ્યા હતા અને જાહેર માર્ગ પર મારામારી શરૂ કરી દીધી હતી. ત્રણેયને ગડદા પાટું ચમ્પલ વડે આડેધડ માર મારવામાં આવતા આ ત્રણેયને ઈજાઓ થવા પામી હતી. જ્યારે સામે માધવીના સંચાલક પણ પોતાની દુકાનમાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ મારામારી દરમિયાન તેમને પણ ઇજા થઇ હતી. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઉત્તર પોલીસ મથકના પી.આઈ. સહિતનો પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મામલાને થાળે પાડ્યો હતો. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત વેપારીઓને સારવાર બાદ પોલીસ મથકે લાવ્યા હતા. જ્યારે સામે પક્ષે માધવીના સંચાલકો પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા. જો કે, બંને પક્ષે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમુલ પાર્લર માત્ર અમુલની પ્રોડક્ટ જ વેચવામાં આવતી હોય છે. પરંતુ ડીસા ખાતે અમુલ પાર્લરની આડશમાં બિયારણ વેચાતું હોવાની બાબત પણ સામે આવી છે.