મહુવા, તા. ર૦
મહુવાના ભાટકડા ગામની પ્રા. શાળામાં ધો. ૩માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સતિષ વાસિયાએ પોતાને મળેલ રૂપિયા મૂળ માલિકને પોતાના હાથે જ પરત કરી ઇમાનદારી બતાવી હતી.મહુવા તાલુકાની ભાટકડા પ્રા.શાળામાં ધોરણ-૩માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સતિષ કનુભાઈ વાસિયાને સવારે નિયત સમયે શાળાએ જતી વખતે રસ્તા પર એક નોટોનું બંચ દેખાયું, સતિષે તે નોટોના બંચને લઈ ઝડપથી શાળાએ પહોંચી શાળાના આચાર્ય વાઘજીભાઈ એન. મકવાણાને આપ્યું. નોટનું બંડલ પૂરા દસ હજાર ત્રીસ રૂપિયાનું હતું. સતિષને પૂછતા તેમણે જણાવેલ કે મને જે સ્થળેથી રૂપિયા મળ્યા છે તે સ્થળેથી થોડા આગળ મેં એક વ્યક્તિને દૂધના કેનની ગાડી લઈને કાટકડા બાજુ જતા જોયા હતા. શાળાના આચાર્ય દ્વારા કાટકડા દૂધ ભરવા આવતા વ્યક્તિનો સંપર્ક કરી પૂછતાં તખુભાઈએ તે નોટોનું બંચ તેમનું પડી ગયાનું કહેલ. ખાતરી કર્યા બાદ તખુભાઈને શાળાએ બોલાવી દિલેર બાળક સતિષના હસ્તે જ તે રૂપિયા પરત કરવામાં આવ્યા. સતિષની દિલેરીના કારણે મૂળ માલિકને રૂપિયા પરત મળતા તેમણે ખુશ થઈને જાહેરમાં જ ર૦પ૧ રૂપિયા સતિષને ઈનામ સ્વરૂપે આપી સન્માનિત કરેલ. શાળામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. શાળા પરિવારે તથા શાળાના સી.આર.સી. કો-ઓર્ડિનેટર કિશોરભાઈ ભટ્ટે સતિષની દિલેરીની સરાહના કરેલ.