(તસવીર : રઝઝાક બુખારી) (સંવાદદાતા દ્વારા) માળિયામિંયાણા, તા.ર૬
માળિયામિંયાણાના સુરજબારી ૫ુલ પાસે નેશનલ હાઈવે ઉપર ધાર્મિક પદયાત્રાએ કચ્છ જઈ રહેલા પદયાત્રિકો પાસે ઊભી રહેલી રિક્ષા અને બોલેરોને કાળમુખા ટેન્કરે અડફેટે લેતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં આઠ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. અકસ્માતને પગલે નેશનલ હાઈવે ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.
મળતી વિગત અનુસાર માળિયામિંયાણાના નેશનલ હાઈવે પર દેવ સોલ્ટ કારખાના પાસે સુરજબારી પુલ નજીક આજે વહેલી સવારે કચ્છ માતાના મઢે દર્શન કરવા જઈ રહેલા પદયાત્રિકો સહિત સેવાભાવિઓનું ટેન્કરના અડફેટે આઠ શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત નીપજતા નેશનલ હાઈવે ચિચિયારીથી ગુંજી ઉઠ્યો હતો અને ટ્રાફિક જામ થતાં હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી ત્યારે આ ગોઝારા અકસ્માતની જાણ પોલીસને થતાં માળિયા પીએસઆઈ જી.આર.ગઢવી પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક ટ્રાફિક ખુલ્લો કરીને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
આ ગોઝારા અકસ્માતમાં માળિયામિંયાણા નેશનલ હાઈવે પર દેવ સોલ્ટ કારખાના પાસે ખંભાતના પાનસાથી કચ્છમાં જતાં બે પરિવારના ૧૮ જેટલા સભ્યો ચા-નાસ્તો કરવા બે રિક્ષાઓ ઊભી રાખતા અને તેની સાથે સેવાર્થે આવેલ બોલેરો કાર આ ત્રણ વાહનો ઊભા હતા ત્યારે પાછળથી કાળમુખા ટેન્કરે આવી ત્રણે વાહનોને કચડી નાખતા પાંચ લોકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા બે વ્યક્તિને સારવાર મળે તે પહેલા શ્વાસ છોડી દીધા હતા ત્યારે બીજા ઈજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ હોવાથી મોરબીથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રિફર કરાયા હતા. ત્યાં સારવાર મળે તે પહેલા વધુ એકનું મોત થતાં મૃત્યુઆંક આઠનો થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામનાર પાંચ વ્યક્તિઓમાં કંકુબેન ભગવાનભાઈ રાઠોડ (ઉ.વ.૪પ) રહે તામશા તા.ખંભાત , વિજયકુમાર વાલજીભાઈ રાઠોડ (ઉ.વ.૧પ) રહે. તામસા, મમતાબેન પુંજાભાઈ લાલાભાઈ ચૌહાણ (ઉ.વ.૧૩) રહે. ગોલાળા ખંભાત, હીરૂબેન જલાભાઈ ચૌહાણ (ઉ.વ.૬૦) રહે. ગોલાળા ખંભાત, કલ્પેશ ગણપતભાઈ કોળી (ઉ.વ.૧પ) રહે. ઘુટુંરોડ સેવાભાવિનો સમાવેશ થાય છે. જ્યારે મોરબીની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન રાજુ રંગબાળ ગુર્જર પરપ્રાંતિય રહે યુપી (ઉ.વ.રપ) હાલ ટોરેન્ટો સિરામિક મોરબી અને મુકેશ માનાભાઈ સીપરા (ઉ.વ.૪૦) ટોરેન્ટો સિરામિકનું સારવાર મળે તે પહેલા મોરબી હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અન્ય ઈજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા ત્યાં ઉર્મિલાબેન સખરભાઈ પરમાર (ઉ.વ.૩૦) રહે.તારાપુરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
આ ગોઝારો અકસ્માત સર્જનાર ટેન્કર નંબર જી.જે.૭ ઝેડ-પર૧૭, રિક્ષા નં. જી.જે.૩ વી-૪૧૭૮ સહિત અન્ય એક રિક્ષા અને બોલેરો કારનો બુકડો બોલી ગયો હતો આ બનાવની જાણ થતાં મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતકોના પી.એમ કરાવી ડેથબોડીને તેમના વતનમાં પહોંચાડવા વ્યવસ્થા હાથ ધરાઈ હતી ત્યારે પરપ્રાંતિયની ડેથબોડીને યુપીમાં મોકલવા માટે જવાબદાર અધિકારીએ મુસ્લિમ સમાજ મોરબીને જાણ કરતાં સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, અમારી આખરી સફર અને એમ્બ્યુલન્સ આવા સેવાકીય કામ માટે જ છે માત્ર મુસ્લિમ સમાજ માટે નથી માટે ગમે ત્યારે અમો અમારા વાહનો સેવાના કામમાં ઉપયોગી થવા તત્પર છીએ દરેક જ્ઞાતિઓ અમારા માટે એક જ છે તેવું જણાવી યુપીમાં શબને પહોંચાડવા વાહન ફાળવ્યું છે. આ અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્તો થાનીબેન પુંજાભાઈ ચૌહાણ (ઉ.વ.૪ર), જીવીબેન પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ.પ૦), રમેશ કાળુ યાદવ (ઉ.વ.૧૯), મંજુલાબેન થાનાભાઈ રાઠોડ (ઉ.વ.૩પ) સહિતનાને રાજકોટ મોરબી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ જી.આર.ગઢવી ચલાવી રહ્યા છે.
Recent Comments