(સંવાદદાતા દ્વારા)
માળિયા મિંયાણા, તા.ર૭
માળિયામિંયાણા મચ્છુ જળ હોનારતને એક માસથી વધુ સમય પસાર થયો હોવા છતાં પૂર અસરગ્રસ્તો સરકારની સહાયથી વંચિત હોવાની ફરિયાદો ઊઠી છે. સરકાર દ્વારા ચાર હજાર કેશડોલ્સની સહાયમાં પણ રપ ટકા અસરગ્રસ્ત પરિવારો હજુ પણ વંચિત છે તો ખેતીપાક નિષ્ફળ અને ખેતીની જમીન ધોવાણનું માત્ર સર્વે ચાલુ છે. તેમાં પણ અનેક ખેડૂતો સર્વેથી વંચિત રહી જતા ધરતીપુત્રો સાથે તંત્ર દ્વારા હળાહળ અન્યાય થઈ રહ્યાની પ્રતિતિ થાય છે. તો વળી મચ્છુ જળ હોનારતમાં લાખો ટન મીઠું પાણીમાં ગરકાવ થતાં કરોડોનું નુકસાન છતાં તંત્ર દ્વારા હજુ સુધી સર્વેની કામગીરી હાથ ધરાઈ નથી અધૂરામાં પૂરૂં શહેરમાં રોગચાળો હોવાથી રોજ ર૦૦ જેટલા દર્દીઓ રેફરલ હોસ્પિટલમાં આવે છે. આમ સ્થાનિક પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠી છે.
મળતી વિગતો અનુસાર માળિયામિંયાણામાં મચ્છુ નદીમાં ઘોડાપૂર આવતા પૂરના પાણી માળિયા શહેરના નીચાણવાળા વિસ્તારમાં અને વાંઢ વિસ્તારો સહિત ફતેપુર, હરીપર, જૂના-નવા હંજીયાસર, ખીરઈ સહિતના ગામોમાં ભારે જળ હોનારત સર્જાતા અનેક પરિવારોના અબોલ પશુઓ મરઘાઓનાં મોત થયા હતા અને સંપૂર્ણ ઘરવખરીનો નાશ થયો હતો. તેમજ ખેતીની જમીનમાં પૂરના પાણીના પ્રવાહથી જમીન ધોવાણ થતાં ખેડૂતોને ભારે મોટી નુકસાની ભોગવી હતી. કચ્છના નાના રણમાં મીઠાનું અગરોનું ધોવાણ થઈ જતા મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન થયું હતું.
ત્યારે તા.રર/૭/૧૭ના રોજ મચ્છુના કહેરથી અને અસરગ્રસ્ત પરિવારો કપડા લતા કે અન્નના દાણાના મોહતાજ થયા હતા ત્યારે સામાજિક સેવાભાવી કાર્યકરોએ પૂરપીડિતોને બેઠા કરવા માટે અનાજ, કપડા સહિતની ઘરવખરીની સહાયનો ધોધ વરસાવી ફરીથી બેઠા કરવા માટે માનવતા મહેકાવી હતી. જ્યારે સરકારી તંત્ર દ્વારા માત્ર ચાર હજાર રૂપિયા કેશડોલ્સ ચૂકવી તેમાં પણ રપ ટકા પરિવારો હજુ પણ કેશડોલ્સની સહાય મેળવવા માટે સરકારી કચેરી અને બેંકના ધક્કા ખાય છે. છતાં કેશડોલ્સ સહાય ચૂકવાઈ નથી.
માળિયા મિંયાણા એસબીઆઈની અવરચંડાઈના કારણે અનેક અસરગ્રસ્ત પરિવારોના બેંક એકાઉન્ટ બંધ કરી કેશડોલ્સના ચેક પરત મોકલી અપાયા છે. તેમજ જનધનના ખાતા પણ બધં કરી દેતા પૂરપીડિતોને ભારે નુકસાની વેઠવી પડી હતી. હરીપર ગામે અમુક પરિવારોને રૂા.૧૦૦૦થી ૪૦૦૦ સુધીની સહાય કેશડોલ્સની ચૂકવી છે પરંતુ અમુક પૂરપીડિતોને માત્ર રૂા.૧૮૦ કેશડોલ્સ સહાય ચૂકવી ગરીબ પરિવાર સાથે મજાક કરવામાં આવી હોવાથી રોષ જોવા મળ્યો હતો.
ખેતીની જમીનને ધોવાણથી થયેલ નુકસાનનું વળતર ચૂકવવા ગ્રામ સેવકો દ્વારા હજુ સર્વે ચાલુ છે. ત્યારે ખેતીપાક અને જમીન નુકસાનનું વળતર તંત્ર ક્યારે ચૂકવશે ? તેવો પ્રશ્ન ખેડૂતોમાં ઉઠ્યો છે. તેમજ અને ખેડૂતો સર્વેથી વંચિત રહ્યા હોવાની બૂમ ઉઠી છે.
માળિયા મિંયાણા મચ્છુ જળહોનારતથી કચ્છના નાના રણમાં લાખો ટન મીઠાનું ધોવાણ થઈ જતા મીઠાના ઉદ્યોગપતિઓને કરોડોનું નુકસાન થયું હોવા છતાં સરકારી તંત્ર દ્વારા મીઠાના નુકસાન અંગે વળતર ચૂકવવા માટે એક માસ વિત્યો છતાં સર્વેની કામગીરી હાથ ધરાઈ નથી.
મચ્છુ જળ હોનારતમાં નાના-મોટા અનેક અબોલ પશુઓ અને મરઘાઓના હજારોની સંખ્યામાં મોત નિપજ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા માત્ર પશુઓના મૃતદેહ જેની પાસે હોય તેનું પી.એમ કરી ગણ્યા ગાંઠ્યા પશુપાલકોને વળતર ચૂકવ્યું છે. ત્યારે પૂરમાં તણાઈ ગયેલા અનેક મરઘાઓ, બકરાઓના ગરીબ માલિકોને સહાયથી વંચિત રાખી હળાહળ અન્યાય કર્યો છે.
માળિયા મિંયાણાની તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસોમાં પૂરના ૬થી ૭ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા તમામ જરૂરી રજીસ્ટરોનો નાશ થયો હતો પરંતુ એક માસ વિત્યા છતાં તાલુકા પંચાયત ઓફિસ ભૂત બંગલા જેવી ખંડેર હાલતમાં છે અને કર્મચારીઓ ગેરહાજર રહેતા હોય ઓફિસ ખાલીખમ રહેતા અરજદારોને ધરમના ધક્કા થાય છે તેમજ મામલતદાર કચેરીમાં પણ સ્ટાફના અભાવે કાગડા ઉડતા હોય તેવી સ્થિતિ જોવા મળે છે.
ઉપરાંત માળિયામિંયાણા શહેરમાં રોગચાળો વકર્યો હોવાથી એક માત્ર સરકારી રેફરલ હોસ્પિટલમાં સ્ટાફ અને સુવિધાનો અભાવ વર્તાય છે. દરરોજના ૧પ૦થી ર૦૦ દર્દીઓ સારવાર માટે જાય છે. છતાં પૂરતી સારવારથી વંચિત આરોગ્ય તંત્ર ભરનિંદ્રામાં હોવાથી ગરીબ પરિવારોમાં રોષ ભભૂક્યો છે.
રેલવે ટ્રેકનું યુદ્ધના ધોરણે મરામત
માળિયામિંયાણા મચ્છુ જળ હોનારતમાં રેલવે તંત્રને ર૦ કરોડથી વધુ નુકસાન હોવા છતાં ૧પ ઈટાચી, ૩પ૦ કામદા, પ જેસીબી અને પ૦ જેટલા ડમ્પરોને કામે લગાડી નુકસાન થયેલ રેલવે ટ્રેકો યુદ્ધના ધોરણે બદલીને માત્ર ૧પ દિવસ સુપર ફાસ્ટ કામગીરી કરી તમામ પેસેન્જર ટ્રેનો અને ગુડઝ ટ્રેનોને ફરીથી ધમધમતી કરી હતી અત્યારે માત્ર મોરબી માળિયા ચાલતી ડેમુ ટ્રેન વવાણીયા સુધી આવે છે ત્યારે રેલવે ટ્રેકનું સમારકામ પૂર્ણતાના આરે છે. થોડા દિવસોમાં ડેમુ ટ્રેન પણ દોડતી થશે.