(સંવાદદાતા દ્વારા) માળિયામિંયાણા, તા.૩૦
માળીયામિંયાણા તાલુકામાં તાજેતરમાં જ આવેલ ભયાનક મચ્છુ જળ હોનારતના કારણે નદી કાંઠાની અનેક શાળાઓમાં પૂરના ધમસમતા પાણી ફરી વળ્યા હતા. આ કુદરતી પ્રકોપના કારણે માળિયામિંયાણા તાલુકાની ૨૦ જેટલી પ્રાથમિક શાળાઓમા અભ્યાસ કરતા બાળકોના પુસ્તકો બેગ સહિતની ચીજવસ્તુ શાળાના તમામ સાહિત્ય તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના ચોપડા પલળી તણાઈ ગયા હતા. ત્યારે માળિયામિંયાણા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી ડી.આર.હુંબલ તથા મહામંત્રી શ્રી એચ.એચ.વરસડા સહિત તમામ શિક્ષક સંઘના પ્રતિનિધિઓ તેમજ તાલુકા શાળાના પ્રિન્સિપાલ શિક્ષકોએ પૂર અસરગ્રસ્ત ગામડાઓમા ભણતા બાળકોને એકજૂથ થઈ મદદરૂપ થવાનો સંકલ્પ લીધો હતો. જેથી આ સંકલ્પને સિધ્ધ કરવા માળિયામિંયાણા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના પ્રિન્સિપાલો શિક્ષકો અને વિદ્યાસહાયકોએ દાનની સરવાણી વહાવી સહાયનો ધોધ વરસાવ્યો હતોે. જેમા આશરે અઢી લાખ એટલે કે રૂ.૨,૬૨૫૦૫નો ફાળો એક્ત્ર કરી બાળકો માટે શૈક્ષણિક કીટ ખરીદી અસરગ્રસ્ત બાળકો સુધી કીટ પહોંચે તેવો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. જે તા.૨૫ના રોજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દવે સાહેબ માળિયા ટી.ડી.ઓ ચાવડા સાહેબ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યકમને વેગવંતો કરી સફળ બનાવી સિંહફાળો આપનારાઓમા માળિયા તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખશ્રી ડી.આર.હુંબલ મહામંત્રી શ્રી એચ.એચ.વરસડા સંઘના તમામ હોદ્દેદારો તાલુકા શાળાના તમામ પ્રિન્સીપાલો શિક્ષકો અને વિદ્યાસહાયકો સહિતના મિત્રોએ સારી એવી જહેમત ઉઠાવી કાર્યકમને સફળ બનાવ્યો હતો.