(સંવાદદાતા દ્વારા) માળિયામિંયાણા, તા.ર૭
માળિયામિંયાણાના કચ્છના નાના રણમાં મીઠું ઉત્પાદન કરતી દેવસોલ્ટ પ્રા.લિમિટેડ કંપની દ્વારા સરકારના નિયમો અને શરતોનું ખુલ્લેઆમ ભંગ કરાતી હોવાની અનેક ફરિયાદો ઊઠી હોવા છતાં તંત્ર બેધ્યાન હોય શ્રમિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ મીઠા ઉત્પાદકો દ્વારા સોલ્ટ કંપનીમાં ઓછામાં ઓછા ર૦૦ અને છૂટક માટેના ૮૦૦ શ્રમિકોને રોજીરોટી આપવાનો કરાર સરકાર પાસેથી કરી ૯૦૯૧.૦૦ એકર જમીન મીઠા ઉત્પાદન કરી વિદેશમાં એક્સપોર્ટ કરવા અને બ્રોમિન પ્લાન સ્થાપવા માટે લીઝ પર કરાર કરી જમીનની માગણી કરતા સરકાર દ્વારા જમીન શરતોને આધીન ફાળવવામાં આવી હતી ત્યારે હાલમાં સોલ્ટ કંપની ઓટોમેટિક પ્લાનથી મીઠું ઉત્પાદન કરે છે. નિયમ અનુસાર ૮૦૦ શ્રમિકોને બદલે માત્ર કહેવા પૂરતા મજૂરોથી કામ કરાવે છે. તેમજ મીઠા ઉત્પાદનમાં રાજ્ય બહાર વિદેશમાં મીઠાનું એક્સપોર્ટ કરવા માટે દરિયામાં જેટી બનાવવાની બે વર્ષની શર્ત હોવા છતાં વર્ષો વિત્યા પછી કોઈ જેટી બનાવાઈ નથી અને મીઠાનું વિદેશમાં નિકાસ કરેલ નથી. આવી અનેક શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરનાર સોલ્ટ કંપનીની લીઝ રદ કરી તે જગ્યા લાંબા સમયથી માગણી કરેલ નાના દશ એકમ અગરિયાને ફાળવવા માટે રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.