(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે બિનસાંપ્રદાયિકતા અને લોકતાંત્રિત સિદ્ધાંતો સામે ભય હોવાનું જણાવતા દિલ્હીના આર્કબિશપના પત્ર અંગે પ્રત્યાઘાત આપતા જણાવ્યું કે ભારત કોઇની સામે પણ ધર્મ કે સંપ્રદાયને આધારે ભેદભાવ કરતું નથી અને દેશમાં એવું કરવાની ક્યારેય પણ મંજૂરી અપાઇ નથી. પત્રમાં આર્કબિશપે દેશમાં અશાંત રાજકીય માહોલનો ઉલ્લેખ કર્યો છે અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પહેલા પ્રાર્થના ઝુંબેશ શરૂ કરવાની અપીલ કરી છે. પોતાની સરકારનો બચાવ કરતા રાજનાથસિંહે એવી ખાતરી આપી કે દેશમાં લઘુમતીઓ સલામત છે. ભાજપ અને આરએસએસના નેતાઓએ દેશના આધ્યાત્મિક નવીનીકરણ માટે દિલ્હીના ચર્ચોને દર સપ્તાહે એક દિવસ ઉપવાસ રાખવા અને પ્રાર્થના ઝુંબેશ શરૂ કરવાની હાકલ કરતા આર્કબિશપના પત્રની ટીકા કરી છે. આરએસએસના નેતા રાકેશ સિંહાએ જણાવ્યું કે ભારતની બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી પર ચર્ચનો આ સીધો હુમલો છે. તેમણે એવી સ્પષ્ટતા પણ કરી કે તેમણે આર્કબિશપનો પત્ર જોયો નથી. પરંતુ હું એમ કહી શકું છું કે ભારત એક એવો દેશ છે જ્યાં કોઇને પણ ધર્મ કે સંપ્રદાય કે આવા કોઇ પણ આધારે ભેદભાવ કરવામાં આવતો નથી. રાજનાથે એવું પણ કહ્યું કે સરકાર દેશની એકતા પર કોઇ પ્રકારનો પ્રહાર થવા દેશે નહીં. તેમણે કહ્યું કે ઘણી વાર અમને પ્રશ્ન કરવામાં આવે છે પરંતુ અમે દેશની એકતા, અખંડતા અને સાર્વભૌમત્વતા સાથે કોઇ પણ કીમતે બાંધછોડ કરીશું નહીં. આ અમારી ટોચની પ્રાથમિકતા છે. અમે અમારા સમાજમાં મૈત્રી, બંધુત્વ અને સામંજસ્યના બંધનને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.