(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
આરબીઆઇએ લગભગ તમામ ચલણમાંથી બહાર કરાયેલી નોટો વ્યવસ્થામાં પરત ફરવાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ સજા માટે તૈયાર રહેવું જોઇએ. આરબીઆઇએ બુધવારે જાહેરાત કરી હતી કે, ૫૦૦ અને ૧૦૦૦ની રદ કરાયેલી તમામ નોટોમાંથી ૯૯.૩૦ ટકા ચલણ વ્યવસ્થામાં પરત ફરી ગયું છે. જેના કારણે વિપક્ષે કાળા નાણાની સમસ્યાને રોકવામાં નોટબંધીના પ્રભાવ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, તેમની પાર્ટીએ પ્રથમ દિવસથી જ નોટબંધીનો વિરોધ કર્યો છે.
ખડગેએ કહ્યું કે, આરબીઆઇના રિપોર્ટથી સાબિત થયું છે કે, ભાજપના નેતૃત્વવાળી સરકારનો નોટબંધી દ્વારા ભ્રષ્ટાચાર, આતંકવાદ અને કાળા નાણાનો દાવો ખોટો હતો. અમે સંસદમાં પણ આ વાત કરી રહ્યા છીએ. વડાપ્રધાન મોદીએ ભ્રષ્ટાચાર, આતંકવાદ અને કાળા નાણા સામે પહોંચી વળવા માટે નોટબંધીની જાહેરાત કરી હતી. પણ થયું શું ? નોટબંધી બાદ મોદીના ‘‘જો મારાથી કાંઇ ભૂલ થઇ હોય તો મને સજા કરો’’ અંગેના નિવેદન પર ટીપ્પણી કરતા ખડગેએ કહ્યું કે, હું તેમને સંસદ સત્રમાં પુછીશ કે સાહેબ, તમે એવું કહ્યું હતું તો અમારે તમને સજા આપવી પડશે ? નવી દિલ્હીના વિજય ચોકમાં કે અન્ય સ્થળે ? હું તેમને આ અંગે યાદ અપાવીશ. ભારતીય રિઝર્વ બેંકે બુધવારે કહ્યું હતું કે, ૯૯.૩૦ ટકા રદ કરાયેલી ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બેંકિંગ વ્યવસ્થામાં પરત ફરી ગઇ છે. ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ નોટબંધીની જાહેરાત બાદ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ૧૫.૪૧ લાખ કરોડના મૂલ્યાની નોટો ચલણમાંથી બહાર કરવામાં આવી હતી તેમાંથી ૧૫.૩૧ લાખ કરોડનું મૂલ્ય ફરી ચલણમાં આવી ગયું છે.