(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.૧૪
અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ માલપુરના આંબલિયા પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે આજે મંગળવારે વહેલી સવારે સર્જાયેલ એક જીવલણે અકસ્માતમાં ચાર પુરૂષ અને બે મહિલાઓ મળી ૬ શ્રમજીવી મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ૧૩ મજૂરો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા છે.
માલપુર-ગોધરા સ્ટેટ હાઈવે પર આંબલિયા ગામ પાસે આજે વહેલી પરોઢે ત્રણ વાગ્યાના સુમારે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ એક ટ્રક ચાલકે ટ્રેક્ટરને પાછળથી અડફેટે લેતાં ટ્રેક્ટરમાં સવાર ૬ મજૂરોના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારેઅન્ય ૧૩ શ્રમજીવીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને માલપુર, મેઘરજ, મોડાસાની ૧૦૮ ઈમરજન્સી સેવા મારફતે સારવાર અર્થે પ્રથમ માલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ૪ ઈસમો વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડ્યા હતા.
તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાલ ગામના હતા. તેઓ ટ્રેક્ટરમાં બેસી ખેતમજૂરી અર્થે ઉત્તર ગુજરાતમાં પાટણ જઈ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. માલપુર ટાઉન પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ પો.સ.ઈ. કે.ડી.બ્રહ્મભટ્ટ ચલાવી રહ્યા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનારમાં અનિલભાઈ દલાભાઈ વસઈરણ (રહે.કદવાલ, તા.ઝાલોદ), જયેશભાઈ છગનભાઈ ડામોર, સરદારભાઈ ધીરૂભાઈ નિનામા, રસોભાઈ વેસ્તાભાઈ ડિંડોળ, સુરેખાબેન રસોભાઈ ડિંડોળ, ધૂળીબેન રમેશભાઈ વસઈયાનો સમાવેશ થાય છે.