પાટણ, તા.૧૬
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જશવંતપુરા ગામના પૂર અસરગ્રસ્ત પ૭ પરિવારોને આજદિન સુધી કોઈ જ પ્રકારની સરકારી સહાય ચૂકવવામાં નહીં આવતા અસરગ્રસ્ત પરિવારો આજે પાટણ આવ્યા હતા અને નાયબ ડીડીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓ દ્વારા સહાય ચૂકવવામાં વ્હાલા-દવલાની નીતિ અપનાવી રહ્યા છે. ભ્રષ્ટાચાર આચરી મળતિયાઓ દ્વારા ખિસ્સા ગરમ કરવામાં આવે તો જ સહાય અપાતી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.
પાટણ જિલ્લાના જશવંતપુરા ગામે ગત તા.રપ-૭-ર૦૧૭ના રોજ પૂરના પાણી ફરી વળતા ઘરોમાં ૩થી ૪ ફૂટ પાણી ભરાઈ ગયા હતા. ઘરવખરી અનાજ વગેરેનો નાશ થયો હતો જેને કારણે પ૭ પરિવારોને કાતરા ગામે સલામત સ્થળે ખસેડી પ્રાથમિક શાળામાં આશ્રય અપવામાં આવ્યો હતો. જે સમયે મંત્રી દિલીપ ઠાકોર, મદદનીશ અધિક કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર વગેરેએ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમ છતાં આજદિન સુધી આ પરિવારોને કેશડોલ્સ કે અન્ય કોઈ સહાય ચૂકવવામાં આવી નથી. તા.૩-૮-૧૭ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જશવંતપુરા ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી તે સમયે અસરગ્રસ્તોએ પોતાની હાડમારીઓ અંગે રજૂઆત કરવાનું વિચારતા અધિકારીઓએ રજૂઆત કરતાં અટકાવી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની અને તાકીદે સહાય ચૂકવી આપવાની ખાતરી આપી હતી છતાં આજદિન સુધી આ પ૭ પરિવારોને કિન્નાખોરી રાખી સહાય ચૂકવવામાં આવી નથી.
જશવંતપુરા ગામના ઠાકોર ખેતાજી, વ્હોરા કુત્બુદ્દીનભાઈ, પ્રજાપતિ પરસોત્તમભાઈ સહિતના અસરગ્રસ્તોએ આજે પાટણ આવી ઉપરોકત હકીકત સાથે નાયબ ડીડીઓ કે. જે. પટેલને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી કે જો સહાય ચૂકવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.