(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
વિજય માલ્યા વિવાદમાં કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીની મુશ્કેલીઓ વધતી જાય છે. જ્યાં એક તરફ કોંગ્રેસ નાણા મંત્રીને પોતાના નિશાન પર લઈ રાખ્યા છે, ત્યારે બીજેપી સાંસદ સુભ્રમણ્યમ સ્વામીએ જેટલી અને મોદી વિરુદ્ધ ટ્‌વીટર વોર ચાલુ રાખ્યું છે. અરુણ જેટલીના સખત વિરોધમાં સુભ્રમણ્યમ સ્વામીએ રાજીનામું માંગ્યું છે. આના માટે એમણે નહેરૂ સરકારનો ઉલ્લેખ કરતા પીએમ મોદી પર પણ પોતાના નિશાનો સાધ્યા હતા.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્‌વીટ કરી છે કે ૧૯૬૨ માં પંડિત નેહરુની નિષ્ફળતા પછી સંરક્ષણ પ્રધાન વી.કે. ક્રિષ્ના મેનનની જાહેર જનતાની રાજીનામાની માંગને નકારી કાઢી હતી. નેહરુએ કહ્યું હતું કે જો મેનન જશે તો મારે પણ જવું પડશે. આના પર, લોકોએ એક સ્વરમાં કહ્યું હતું કે તમારે દૂર થઈ જવું જોઈએ. ત્યારબાદ નેહરુએ મેનનને બરતરફ કર્યા હતા. અન્ય એક ટ્‌વીટમાં સુબ્રમણ્યમ સ્વામીએ વડા પ્રધાનને ચેતવણી આપી છે કે નાણા પ્રધાનને કારણે તેમની લોકપ્રિયતા જોખમમાં આવી શકે છે. તેણે ટ્‌વીટમાં લખ્યું હતું કે તેણે મેનન સાથેની લાગણીમાં આવીને પોતાની લોકપ્રિયતા ખોઈ હતી, ઈતિહાસમાંથી આ બોધપાઠ શીખવો જોઈએ. સુબ્રમણ્યમ સ્વામીએ માંગ કરી છે કે વિજય માલ્યા અને અરુણ જેટલી વચ્ચેની બેઠકની તપાસ કરવામાં આવે. તેમણે હકીકતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સૌપ્રથમ, ૨૪ ઓક્ટોબર, ૨૦૧૫ ના રોજ, માલ્યા વિરુદ્ધ જારી કરાયેલ નોટિસ ‘બ્લોક’ થી ‘રિપોર્ટ’ માં બદલાઈ ગઈ હતી, જેના કારણે માલ્યા કુલ ૫૪ સામાન સાથે ભાગી ગયો હતો. બીજી હકીકત એ છે કે વિજય માલ્યાએ સંસદમાં જેટલીને કહ્યું હતું કે તે લંડન માટે રવાના થઈ રહ્યો છે.