(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
આર્થિક ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યાના ૨૦૧૬માં વિદેશ ભાગી જવાના કિસ્સામાં દરરોજ નવા ખુલાસા થતા જાય છે જેનાથી મોદી સરકારની મુશ્કેલી વધી રહી છે. શુક્રવારે ટોચની સમાચાર એજન્સીએ ખુલાસો કર્યો હતો કે, માલ્યાના દેશ છોડતા પહેલા લૂકઆઉટ નોટિસમાંથી અટકાયત શબ્દ હટાવી લેવા અને તેમાં ફેરફાર કરવાનું કામ તે સમયના ગુજરાત કેડરના અધિકારી અને સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર એકે શર્માએ કર્યું હતું અને આ તમામ બાબતોમાંથી સીબીઆઇના ડાયરેક્ટર અનિલકુમાર સિંહાને અંધારામાં રાખ્યા હતા. બીજી માર્ચે જ્યારે વિજય માલ્યા વિમાન દ્વારા લંડન જઇ રહ્યો હતો ત્યારે બેન્કર્સ સાથે બેઠક કરવા મુંબઇ આવ્યા હતા. તેમને બેન્કર્સ પાસેથી જાણવા મળ્યું કે, માલ્યા આશરે ૫૪ બેગોનું ચેકિંગ કરાવી લંડન જતો રહ્યો છે. જ્યારે સીબીઆઇ ડાયરેક્ટરને સવાલ કરવામાં આવ્યો કે, માલ્યાને શા માટે જવા દીધો ત્યારે તેઓ મૌન રહી ગયા હતા. નેશનલ હેરાલ્ડ સમાચાર એજન્સી પર પ્રસિદ્ધ કરાયેલા એનડીટીવીના રિપોર્ટ અનુસાર સીબીઆઇ ડાયરેક્ટર દિલ્હીના મુખ્યમથકે પરત ફર્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે, જોઇન્ટ ડાયરેક્ટર અરૂણકુમાર શર્માએ સિંહાને જાણ કર્યા વિના લૂકઆઉટ નોટિસમાં ફેરફાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૫માં સીબીઆઇમાં કેટલાક ગુજરાત કેડરના અધિકારીઓની નિમણૂંક કરી હતી. સીબીઆઇ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ(કર્મચારીઓના તાલીમ વિભાગ) (ડીઓપીટી)ને રિપોર્ટ કરે છે જે સીધા પીએમઓના નેજા હેઠળ આવે છે જ્યારે પીએમઓ સીબીઆઇમાં ઉચ્ચ સ્તરની નિમણૂંકો વડાપ્રધાનની મંજૂરીથી જ થાય છે. જોકે એકે શર્મા અને વાયસી મોદીની સીબીઆઇમાં નિમણૂંકો તે સમયે વિવાદમાં આવી હતી. આસામ-મેઘાલય કેડરના અધિકારી મોદી સીબીઆઇમાં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને નરેન્દ્ર મોદીના રાજકીય વિરોધી હરેન પંડ્યા હત્યા કેસની તપાસ કરી રહ્યા હતા. જેમની ૨૦૦૩ અમદાવાદમાં હુમલાખોરો દ્વારા ગોળી મારી હત્યા કરાઇ હતી. પંડ્યાના પરિવારે તે સમયે વિરોધ કર્યો હતો અને સીબીઆઇ પર તપાસને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે હરેન પંડ્યા કેસમાં ૨૦૧૧માં સીબીઆઇની ભૂલભરેલી અને અસ્પષ્ટ તપાસ ગણાવી ૧૨ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. આ અધિકારીને બાદમાં ૨૦૧૧માં આરકે રાઘવનની આગેવાનીવાળી સીબીઆઇમાં ગુજરાત તોફાનોની તપાસ માટે નિમાયા હતા. વિચિત્ર સંજોગોમાં વાયસી મોદીને ગોધરા ટ્રેન દુર્ઘટના બાદના ત્રણ મહત્વના કેસો ગુલબર્ગ સોસાયટી, નરોડા પાટિયા અને નરોડા ગામ તોફાનોની તપાસ સોંપાઇ હતી.
અરૂણકુમાર શર્માની ૨૦૧૫માં સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂંક થઇ. આ અધિકારીની દેખરેખમાં ગુજરાતમાં ફરજ દરમિયાન ‘સાહેબ’ માટે એક યુવતીની ગુપ્ત રીતે જાસૂસી કરી હતી અને તેની તમામ માહિતી ‘સાહેબ’ને આપી હોવાનો કોબ્રાપોસ્ટ અને ગુલેલ ડોટકોમ દ્વારા ઘટસ્ફોટ કરાયો હતો. તે સમયના ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહ સાથે અધિકારીની ૨૩૯ ટેલિફોનિક વાતચીતનો ઉલ્લેખ હતો અને અમિત શાહે વારંવાર ‘સાહેબ’ નામનો ઉપયોગ કર્યો હતો. બાદમાં ગુજરાત અને કર્ણાટકમાં થયેલી વાતચીતની વધુ ૩૯ ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ્સ બહાર આવી હતી.