(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૪
ભારતીય બેંકોના સમુહના રૂા.૯૦૦૦ કરોડની લોન ચૂકવ્યા વિના ફરાર થઈ ગયેલા વિજય માલ્યા વિરૂદ્ધ ચાલી રહેલા કેસને લઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુનાવણી દરમિયાન તે વિજય માલ્યાની હાજરી ઈચ્છે છે. માલ્યા સુપ્રીમ કોર્ટમાં ફરી એક વખત હાજર ન રહેતા કોર્ટે માલ્યાના વકીલની ઝાટકણી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે ધરપકડથી બચતા ફરતા ઉદ્યોગપતિ માલ્યા અગાઉ પણ સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. ન્યાયાલયની અવમાનના માટે દોષી ઠેરવવામાં આવેલા વિજય માલ્યા માટે સજા નક્કી કરવાની છે. ઉલ્લેખનીય છે કે અદાલતી આદેશ અપાયા છતાં પોતાની સંપત્તિની સંપૂર્ણ માહિતી ન આપતા ૯ મેના રોજ સુપ્રીમ કોર્ટે માલ્યાને અવમાનનાનો દોષી ઠેરવ્યો હતો. માલ્યાએ ૧૦ જુલાઈના રોજ અદાલતમાં હાજર રહેવાનું હતું. ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલ અને ન્યાયમૂર્તિ યુયુ લલિતની પીઠે ત્યારે આ કેસની તારીખ ૧૪ જુલાઈ નક્કી કરી હતી. પીઠે આ કેસમાં સોલિસિટર જનરલ રંજીત કુમારને મદદ કરવાનો આગ્રહ કર્યો હતો. બ્રિટનથી પ્રત્યાર્પણ કરવાની માગનો સામનો કરી રહેલા ભાગેડું વિજય માલ્યાનું કહેવું છે કે, ”ભારતમાં યાદ કરવા જેવું કશુંય નથી.” આ જવાબ માલ્યાએ ત્યારે આપ્યો જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે ભારતને યાદ કરે છે? ભારતમાં પ્રત્યાર્પણ કરવાના કેસનો સામનો કરી રહેલો માલ્યા હજુય વૈભવી જિંદગી જીવી રહ્યો છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ઇંગ્લેન્ડમાં થયેલી ક્રિકેટ મેચ દરમિયાન માલ્યા ત્યાં જોવા મળ્યા હતા. બુધવારે ફૉર્મ્યુલા વનના પ્રમોશન ઇવેન્ટમાં પહોચેલા માલ્યાએ કહ્યુ કે, ભારતમાં યાદ કરવા જેવું કશુંય નથી. મારા પરિવારના લોકો ક્યાં તો ઇંગ્લેન્ડમાં રહી રહ્યા છે ક્યાં તો અમેરિકામાં-ભારતમાં કોઇ રહેતું નથી. જ્યાં સુધી મારા સાવકા ભાઇ-બહેનનો સવાલ છે, ત્યાં સુધી બધા જ યૂકેના નાગરિક છે. તો પરિવારના પરિપ્રેક્ષ્યને પણ યાદ કરવા માટે ત્યાં કંઇ નથી.” માલ્યાએ તે પણ કહ્યુ કે, ”મેં કંઇ ખોટું નથી કર્યુ. હું તો ખુશ છું કે આ મામલો યૂકેના કોર્ટમાં છે, જ્યાં પક્ષપાત નથી થતો. હવે તો નિર્ણયની રાહ જોઇ રહ્યો છું.” માલ્યાએ તે પણ કહ્યુ કે તે આ એન્જોઇ કરી રહ્યો છે કેમકે તે દરરોજ અલગ અલગ લોકોને મળે છે અને મજા કરે છે. થોડા દિવસ પહેલા બ્રિટનની કોર્ટમાં માલ્યાના વકીલે ભારતની જેલોની હાલત ખરાબ હોવાનું કહી તેના પ્રત્યાર્પણનો વિરોધ કર્યો હતો. આ કેસનો ફેસલો પણ ફેબ્રુઆરી ૨૦૧૮ પહેલા નથી આવવાનો. તેમાં બ્રિટિશ હાઈકોર્ટના ઓછામાં ઓછા છ મહિના અને વધુમાં વધુ એક વર્ષના સમયગાળાને પણ જોડવાનો રહે છે, જ્યાં ક્રાઉન કોર્ટના ફેસલા વિરુદ્ધ અપીલની સુનાવણી થશે. આટલો જ સમય સુપ્રીમ કોર્ટ પણ પોતાનો નિર્ણય આપવામાં કરી શકે છે.