ગ્રામજનો જાતે જ સરપંચ નક્કી કરે છે

(સંવાદદાતા દ્વારા)                                                             ડીસા,તા.ર૭

સૂઇગામ તાલુકાનું મમાણા ગામ જ્યાં આઝાદી બાદ અત્યાર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ જ નથી. ગ્રામજનો જાતે જ સરપંચ નક્કી કરે છે. આ ગામને ગોકુળીયા ગામનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ગામમાં ક્રાઇમ રેટ પણ ઝીરો છે.

સૂઇગામના મમાણામાં મુખ્યત્વે પ્રજાપતિ, રબારી, ગઢવી અને ઠાકોર ઉપરાંત હરિજન, સાધુ, લુહાર, સુથાર, વાલ્મિકી સમાજના લોકો રહે છે. ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગામમાં ૩૦ જેટલા ૩જા અને ચોથા વર્ગના સરકારી કર્મચારીઓ છે. એકંદરે ગામના તમામ લોકો સંપથી રહેતા હોઈકોઇ પણ નાની-મોટી તકરારો આપસમાં જ સમેટી લેતા હોઇ ક્રાઇમ રેટ જીરો ટકા છે.

મમાણા ગામના ઇતિહાસમાં અત્યાર સુધી ગ્રામપંચાયતની ચૂંટણી જ થઇ નથી, અને એમાંય ખાસ ૧૯૬૩ માં આવેલા પંચાયતી રાજથી આજ સુધી ગામના ગઢવી પરિવારના સભ્યો જ એક ટર્મને બાદ કરતાં સરપંચ પદ સંભાળતા આવ્યા છે. જે કદાચ ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાં એક રેકોર્ડ કહી શકાય. કે.પી.ગઢવીએ જણાવ્યું કે પાટણ ના મહારાજા સિદ્ધરાજ સોલંકી એ અમારા પૂર્વજો ને રાજ્યાશ્રય આપી મમાણા સહિત પાંચ ગામો ગરાસમાં આપ્યાં હતાં.’

ગામમાં ૧૦૦ ટકા શૌચાલયો

ગામમાં ૧૦૦ ટકા શૌચાલય હોવાને કારણે નિર્મળ ગામ એવોર્ડ મળ્યો છે,વળી ગામ ની પ્રાથમિક શાળા ને ૨૦૦૮માં દિવ્ય શાળા,અને ૨૦૧૬ માં શાળા સ્વચ્છતા એવોર્ડ મળ્યો છે.ગામ ના સી.સી.રોડ, અને સંરક્ષણ દીવાલ સહિત સરકાર ની વિવિધ ગ્રાન્ટ નો ઉપયોગ થાય છે. તત્કાલીન વડાપ્રધાન સ્વ.રાજીવગાંધી એ અછત રાહત માં ૧૯૮૭ માં અને ૨૦૧૦ માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામની પ્રા. શાળામાં બાળકો સાથે મધ્યાહન ભોજન આરોગ્યું હતું.