માંગરોળ, તા.ર૫
આજે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકાના વિવિધ વણઉકેલ્ય પ્રશ્નો સંદર્ભે એક આવેદનપત્ર માંગરોળના નાયબ મામલતદાર વી.આર. મૈસુરીયાને આપ્યું છે. આ આવેદનપત્રમાં વિવિધ વણઉકેલ્યા પ્રશ્નોની રજૂઆતની સાથોસાથ આગામી તા.ર૯-૧૦-૧૮ના રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી માંગરોળ તાલુકાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તાલુકા કોંગી આગેવાનોનાં પ્રતિનિધિ મંડળને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા માટે દસ મિનિટનો સમય ફાળવવા માંગ કરાઈ છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે માંગરોળ તાલુકામાં પાછલો વરસાદ ન પડવાથી વિવિધ પાકો નિષ્ફળ ગયા છે. નિગમ મારફતે ખેડૂતોને જે બિયારણ આપવામાં આવ્યુ હતું તે ભેળસેળવાળુ હોવાથી ઉગ્યુ નથી જેથી ખેડૂતોને આત્મહત્યા કરવાના દિવસો આવ્યા છે. માંગરોળ તાલુકો સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે. પેશા એકટ તાત્કાલિક લાગુ પાડી, આદિવાસીઓ માટે વિવિધ પ્રકારની યોજના બનાવી, અમલમાં મૂકવી જોઈએ. વિકાસના નામે આદિવસી વિસ્તારમાં ઈરાદાપૂર્વક યોજનાઓ બનાવી, આદિવાસીઓની જમીન ઝૂંટવી લેવામાં આવે છે. જે બંધ થવું જોઈએ. ગુજરાતમાં સરકાર અને પોલીસની મીલીભગતમાં દારૂ બંધી નામની જ છે. આદિવસી યુવાનો બેરોજગાર છે. ધંધો ન મળવાથી દારૂની લતમાં પડી ગયા છે. હવે ના છૂટકે અમારે “જનતા રેડ” કરવાની ફરજ પડશે. માંગરોળ તાલુકામાં કાર્યરત ઔદ્યોગિક વિસ્તારોમાં પરપ્રાંતના અનેક શ્રમજીવીઓ કામ કરે છે. આવા લોકોના નામાને કેટલાક રાજકીય આગેવાનો મતદારયાદીમાં ઘુસાડી દેવાની કામગીરી કરે છે જે થવું ન જોઈએ. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં જીપીએસસીની લેખિત પરીક્ષા લેવામાં આવી જેમાં “દુબળા” શબ્દનો સવાલ પૂછવામાં આવ્યો. જે આદિવસી જાતિનું અપમાન છે. સરકાર દ્વારા કાકરાપાર સિંચાઈ યોજનામાંથી પાણી માંગરોળ તાલુકાના પાતલદેવી ઈસનપુર લવેટ વગેરે ગામોમાં પુરૂં પાડવામાં આવનાર છે પરંતુ આ ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં જે પાકો બનાવ્યા છે. આ પાકોનો નાશ કરી પાઈપ લાઈન નાંખવાનું કામ શરૂ કરેલ છે. ખેડૂતોને પોતાના પાકનું વળતર મળવું જોઈએ. આ પ્રસંગે માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી સામજીભાઈ ચૌધરી, ઈરફાન મકરાણી, ડૉ. નટવરસિંહ આડમાર, એડ. બાબુભાઈ ચૌધરી, મહંમદ જે.પી., શાહબુદ્દીન મલેક, કેતનકુમાર ભટ્ટ વગેરે હાજર રહ્યા હતા.