(એજન્સી) કોલકાતા, તા.૧૭
દેશ અટલ બિહારી વાજપેયી માટે પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે મમતા બેનરજીએ એમને યાદ કરતાં કહ્યું કે એ અમને હંમેશા યાદ રહેશે વાજપેયીજી ખૂબ જ દયાળુ હૃદયવાળા અને પક્ષની ઉપરવટ હતા. મમતા બેનરજીએ કહ્યું એ એક જુદા પ્રકારના વ્યક્તિ હતા. ખૂબ જ માયાળુ. એ બધાનું આદર કરતા હતા. આ કપરા સમયમાં અમોએ એમની સાથે હોવું જોઈએ. અટલજીની કાર્ય કરવાની પદ્ધતિ જુદી હતી. તે વખતની ભાજપની કાર્યપ્રણાલિ આજ કરતાં ખૂબ જ જુદી હતી. અમારા સંબંધો એમની સાથે પક્ષ કરતાં પણ ઉપરવટ હતા. અમને એમની સાથે કામ કરવાની તક મળી હતી. એ ખૂબ જ મહાન વ્યક્તિ હતા. મમતાએ કહ્યું ર૦૦૦ના વર્ષમાં જ્યારે હું રેલવે મંત્રી હતી ત્યારે અટલજી મારા ઘરે મારી માતા ગાયત્રી દેવીને મળવા આવ્યા હતા. એમણે મારી માતા પાસેથી આશીર્વાદ લીધા હતા. અમારા એમની સાથે ઘર જેવા સંબંધો હતા અમે હંમેશા એમને યાદ કરીશું. મમતા બેનરજી ૧૯૯૯થી ર૦૦૪ સુધી એનડીએ સાથે જોડાયેલ હતી. એમને કેબિનેટ મંત્રીનો દરજ્જો અપાયો હતો.