(એજન્સી) કોલકાતા, તા.ર૮
મમતા બેનરજીએ કહ્યું કે ભાજપાએ રાજ્યમાં હત્યાઓનું રાજકારણ રમીને પંચાયતની ચૂંટણીઓમાં બેઠકો જીતી હતી અને હવે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી વિપક્ષોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ભાજપાએ પંચાયતની ચૂંટણીઓમાં ગુંડાઓની મદદ મેળવી હતી જે પહેલાં માર્ક્સવાદી પક્ષ માટે કામ કરતાં હતા. બંગાળની ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં મમતાના પક્ષે ભવ્ય વિજય મેળવ્યું હતું અને ૮૦ ટકાથી વધુ બેઠકો જીતી હતી. ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પછી વ્યાપક હિંસા થઈ હતી જેમાં ર૪ વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું અને મોટી સંખ્યામાં લોકો ઘવાયા હતા. મમતાએ દાવો કર્યો કે મતદારો ઉપર દબાણ લાવવા ભાજપની કેન્દ્ર સરકારે રાજ્યમાં અર્ધલશ્કરી દળો પણ ગોઠવ્યા હતા જેથી લોકો ભાજપને મત આપે. મમતાએ કોલકાતામાં યોજાયેલ એક રેલીમાં કહ્યું કે, અમારો એક જ લક્ષ્ય છે કે ર૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને પરાજય આપવો.

ભાજપ હત્યાની રાજનીતિ પર પરત
ફરી રહ્યો છે : મમતા બેનરજી

(એજન્સી) કોલકાતા, તા. ૨૮
ભાજપ પર આકરા પ્રહાર કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભગવા પક્ષ પર રાજ્યમાં હત્યાની રાજનીતિ પર પરત ફરવા અને વિરોધ પક્ષો સામે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્યમાં તાજેતરમાં યોજાયેલા પંચાયતી ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપના લોકો તાજેતરમાં સીપીઆઇ માટે ગુંડાગીરી કરતા લોકો સાથે હાથ મિલાવ્યા છે. તૃણમુલ છાત્ર પરિષદના સ્થાપના દિવસના પ્રસંગે કાર્યક્રમમાં મમતાએ કહ્યું કે, ભાજપ હત્યાની રાજનીતિ દ્વારા જંગલમહાલના માઓવાદી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફક્ત કેટલીક બેઠકો જ જીતી શક્યો છે. અગાઉ સીપીઆઇના ગુંડા હવે ભાજપ માટે કામ કરે છે. એનઆરસીની સમીક્ષા અંગે વાત કરતા તેમણે કહ્યું કે, તેમની સરકાર કોઇપણ ભોગે આ પ્રવૃત્તિ કરવાની પરવાનગી નહીં આપે. અમે બંગાળમાં એનઆરસી પ્રવૃત્તિને પરગાનગી આપીશું નહીં. ભાજપના નેતાઓ અમને પડકારી રહ્યા છે. જો અમને પડકારાશે તો અમે આકરો જવાબ આપીશું. તેમણે એમ પણ કહ્યું કે, અહીં કોઇ નાગરિકને ખોટી રીતે વિદેશી ગણાવવાની પ્રવૃત્તિ ચાલવા દેશે નહીં. અમે બંગાળ ટાઇગર્સ છીએ, ભારતના નાગરિકને વિદેશી ગણાવવાની બાબત અમે ચલાવીશું નહીં. તૃણમુલ સુપ્રીમોએ કહ્યું કે, ૨૦૧૯ની ચૂંટણીઓમાં ભગવા પક્ષને હરાવવા અમે જોરદાર લડત આપીશું. બેનરજીએ કહ્યું હતું કે, નાણા અને સત્તાના જોરે ભાજપ વિરોધ પક્ષના નેતાઓ સામે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરે છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપને હરાવવાનું અમારૂ એકમાત્ર લક્ષ્યાંક છે.