(એજન્સી) તા.૮
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તૃણમૂલ કોંગ્રેસ તેની હિંદી પાંખ શરૂ કરશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ધારાસભ્ય અર્જુનસિંઘ આ પાંખનો હવાલો સંભાળશે. નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં એક કાર્યક્રમ દરમિયાન મમતા બેનરજીએ ભારતના હિંદી ભાષી લોકો સાથે તેમના વિશેષ વૈચારિક સંબંધો વ્યક્ત કર્યા હતા. તેમણે પશ્ચિમ બંગાળમાં હિંદી યુનિવર્સિટી સ્થાપવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને તમારી દીકરી સમાન ગણો. કેટલાક અહેવાલો પ્રમાણે આ વિસ્તારમાં ર૦ ટકા કરતા પણ વધારે મતદારો બંગાળી નથી, જેઓ ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. શુક્રવારે હિન્દી મહોત્સવ અને સમ્માન સમારોહમાં સંબોધન કરતા મમતા બેનરજીએ કહ્યું હતું કે, મારા માટે માનવતા જ સૌથી મહત્ત્વની છે. આસામના એનઆરસીમાંથી બિહારીઓ ઉપરાંત બંગાળીઓના નામો પણ કાઢી નાખવામાં આવ્યા છે. પરંતુ હું ગર્વથી કહું છું કે બંગાળમાં આવું ક્યારેય પણ થયું નથી અને થશે પણ નહીં.