(એજન્સી) નવી દિલ્હી, તા.૨૬
ટીએમસીના પ્રમુખ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આધારકાર્ડના સુપ્રીમના ચુકાદાથી ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે, આધારકાર્ડ અંગે અમારા વલણને સમર્થન મળ્યું છે. ટીએમસીએ આધારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. સુપ્રીમના ચુકાદાથી ખુશ છીએ. અમે જે કહ્યું હતું તે જ કોર્ટે કહ્યું છે. ટીએમસીના પ્રવક્તા ડેરેક ઓબ્રાયને કહ્યું કે, ટીએમસી માને છે કે, ડેટાની ગુપ્તતા અને રક્ષણ અંગે બારીકાઈથી નિરીક્ષણની જરૂર હતી જેથી ભાજપ તેને પોલીસ રાજમાં ફેરવી ન દે. મમતા બેનરજીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારી કહ્યું કે, આધાર અંગેનો ચુકાદો પ્રજાનો વિજય છે. બેનરજી હાલમાં ઈટાલીના પ્રવાસે છે. આધાર અંગે સુપ્રીમ કોર્ટે તેને બંધારણીય માન્યતા આપી છે, પરંતુ તેની કેટલીક જોગવાઈઓ નકારી દીધી છે. જેમાં બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર સાથે આધાર નંબર જોડવાની બાબત સામેલ છે. આ ઉપરાંત શાળાઓમાં પ્રવેશ માટે આધારને હવે મરજિયાત કરાયું છે.