(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે જણાવ્યું હતું કે, કોંગ્રેસે જો જેડીએસ સાથે પહેલાંથી જ ગઠબંધન કર્યું હોત તો ચૂંટણી પરિણામ સારા આવ્યા હોત અને સારૂ પ્રદર્શન કરી શકી હોત. મમતાએ વિજેતાઓને અભિનંદન આપ્યા હતા જો કે, તેમણે ભાજપનો ઉલ્લેખ નહોતો કર્યો. મમતાએ ટિ્‌વટ કરી કહ્યું છે કે, કર્ણાટક ચૂંટણીમાં વિજેતાઓને અભિનંદન, જેઓ હારી ગયા છે તેઓ ધુઆંધાર વાપસી કરે. જો કોંગ્રેસે જેડીએસ સાથે પહેલાંથી જ ગઠબંધન કર્યું હોત તો પરિણામ જુદા જ હોત. શરૂઆતના અંદાજને પગલે રાજ્યભરમાં ભાજપે વિજયની ઉજવણી કરી હતી. ભાજપના નેતાઓએ એક બાદ એક એમ પણ કહ્યું કે તેઓ સરકાર બનાવી રહ્યા છે. બીજી તરફ આ પરિણામ જોઇને કોંગ્રેસે જેડીએસ સાથે ગઠબંધનની વાત શરૂ કરી દીધી હતી. બીજીતરફ ભાજપના નેતા સદાનંદ ગૌડાએ બપોરે કહ્યું હતું કે, જેડીએસ સાથે ગઠબંધનનો સવાલ જ નથી કેમ કે, તેમની પાર્ટી બહુમતીથી સરકાર બનાવી રહી છે. બીજી તરફ ભાજપના મંત્રી પ્રકાશ જાવડેકરે ભાજપના પ્રમુખ અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી.