(એજન્સી) કોલકાતા, તા. ૧૬
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પાઠવ્યો છે. પત્રમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પ્રવૃત્તિઓ પર નાણા ખર્ચાયા હોવાથી મુખ્યપ્રધાનના રાહત ફંડ્‌સમાં બિઝનેસ હાઉસિસને ફાળા આપવાની મંજૂરી આપવા અંગે વિચારણા કરવાની વડાપ્રધાનને અરજ કરવામાં આવી છે. પત્રમાં રાજ્યોના હિત સાથે સંબંધિત ૨૦૧૩ના કંપની કાયદામાં કરાયેલી જોગવાઇ મુજબ વર્તમાન સીએસઆર માળખામાં એક ભારે નબળાઇ તરફ નિર્દેશ કરવામાં આવ્યો છે.
પત્રમાં મમતા બેનરજીએ લખ્યું છે કે વડાપ્રધાનના રાહત ફંડ (પીએમએનઆરએફ)માં ફાળાને ૨૦૧૩ના કાયદામાં સીએસઆર હેઠળ એક યોગ્ય પ્રવૃત્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે ત્યારે આ જ બાબત મુખ્યપ્રધાનના રાહત ફંડ માટે લાગુ કરવી જોઇએ. જો રાજ્યોમાં મુખ્યપ્રધાનના રાહત ફંડ્‌સમાં ફાળાને સીએસઆર હેઠળ યોગ્ય પ્રવૃત્તિ બનાવવામાં આવશે તો આ ખરેખર પ્રશંસનીય હશે. પત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે નજીવો ફાળો પણ જરૂરતમંદ લોકોને સહાય અને રાહત આપવામાં બધા રાજ્યોને ભારે સહાયરૂપ થશે. કંપનીઓ તરફથી મર્યાદિત દાન આપવામાં આવતું હોવાથી મુખ્યપ્રધાન રાહતફંડને હંમેશા નાણાકીય સમસ્યા રહે છે. બેનરજીએ પત્રમાં વડાપ્રધાનને લખ્યું છે કે જો કેન્દ્ર દ્વારા તેમની આ દરખાસ્તનો સ્વીકાર કરવામાં આવશે તો ફાળાઓ માટે દાતાઓ કર રાહત મેળવવા દાવો કરી શકશે.