(એજન્સી) તા.૩૦
સંઘીય મોર્ચાની કોલકાતામાં ૧૯ જાન્યુઆરીએ આયોજિત થનાર રેલીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને આમંત્રિત કરવા માટે તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનરજી તેમની સાથે મુલાકાત કરી શકે છે. ખરેખર તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એક બિન ભાજપ મોર્ચો બનાવવાની તૈયારીમાં છે. ટીએમસીના સુત્રોએ જણાવ્યું કે મમતા બેનરજી નવી દિલ્હીની ત્રણ દિવસની યાત્રા દરમિયાન સોનિયા ગાંધી, રાજદ નેતા તેજસ્વી યાદવ અને અન્ય વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. ભાજપનો મુકાબલો કરવા માટે કોઈ ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ કરવા પ્રત્યે શરૂઆતમાં સજાગ દેખાતા ટીએમસી અધ્યક્ષે તાજેતરના અઠવાડિયાઓમાં વિપક્ષી તાકાતોને એકજૂથ કરવા માટે આ રાષ્ટ્રીય પાર્ટી સાથે હાથ મિલાવવાનો સંકેત આપ્યો છે. જોકે સોનિયા ગાંધી સાથે મુલાકાત અંગે કોઈ પૂર્વાયોજિત કાર્યક્રમ નથી પણ મમતા તેમની યાત્રા દરમિયાન તેમની સાથે અને તમામ અન્ય ટોચના નેતાઓને મળવાનો પ્રયાસ કરશે. તૃણમૂલ કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે મમતા બેનરજી જ્યારે એક ઓગસ્ટે સંસદ ભવન જશે ત્યારે તેમની અનેક નેતાઓ સાથે ભટ થઈ શકે છે. તે સોનિયા ગાંધી, રાજદ નેતા તેજસ્વી યાદવને મળી શકે છે. તેજસ્વી મમતાની યાત્રા દરમિયાન દિલ્હીમાં હાજર રહેશે. મમતા સંસદ ભવનમાં સેન્ટ્રલ હોલ જશે. ૧૯ જાન્યુઆરીએ કોલકાતામાં સંઘીય મોર્ચાની પોતાની રેલીમાં તેમના દ્વારા વિપક્ષી પાર્ટીના નેતાઓને વ્યક્તિગત રૂપે આમંત્રણ આપવાની આશા છે. તૃણમૂલ કોંગ્રેસ નેતા ડેરેક ઓ બ્રાયને જણાવ્યું કે મમતા બેનરજી પોતાની યાત્રા દરમિયાન વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી, ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહા અને ભાજપથી નારાજ સાંસદ શત્રુઘ્ન સિંહાને પણ મળી શકે છે. બ્રાયને જણાવ્યું કે મોદી સરકારના ટીકાકાર અરુણ શૌરી પછીથી કોલકાતામાં મમતાને મળશે કેમ કે તે ટીએમસી પ્રમુખની નવી દિલ્હીની મુલાકાત વખતે ત્યાં હાજર નહીં હોય. ઉલ્લેખનીય છે કે મમતાએ ભાજપનો મુકાબલો કરવા વિપક્ષી દળોનું એક ગઠબંધન તૈયાર કરવા તાજેતરમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહ સાથે મુલાકાત કરી હતી.