(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
આસામના એનઆરસી ડ્રાફ્ટ યાદીમાંથી ૪૦ લાખ લોકોને બાકાત રાખવા મુદ્દે સત્તાધારી ભાજપ પર સતત પ્રહાર કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપને ‘‘અસલ ઘુષણખોર’’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ખરો ઘુષણખોર ભાજપ જ છે, તેઓ દરેક બાબતમાં દખલ કરે છે, તમે શું ખાવો છો, તમે શું પીવો છો એટલે સુધી કે મીડિયામાં પણ માથું મારે છે. મમતા બેનરજીએ એનઆરસી યાદીને પાડોશી દેશ બાંગ્લાદેશનું અપમાન ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, બાંગ્લાદેશી આપણા પાડોશીઓ છે, તે આતંકવાદી દેશ નથી. દરેક બાંગ્લાદેશી ઘુષણખોર નથી. લોકોને બાકાત રાખવાના સવાલ અંગે તેમણે જણાવ્યું કે, તેઓ પોતે પણ સાબિત નથી કરી શકતા કે તેમનો પરિવાર ૧૯૭૧ બાદથી બંગાળમાં રહેવાનો અધિકાર ધરાવે છે. ‘‘હું કેવી રીતે કરી શકું, મને તો મારા માતા-પિતાના જન્મદિવસ પણ યાદ નથી. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, ૨૦૧૯માં કોણ વડાપ્રધાન બનશે ત્યારે તેમણે કહ્યું કે, આવી બાબતો વિશે હું વિચારી રહી નથી. હું મારા દેશને આગળ લઇ જવા માગુું છું. વિપક્ષની એકતા વિશે તેમણે કહ્યું કે, ભારતનું રાજકારણ આજે છે તેટલું ગંદુ ક્યારેય રહ્યું નથી તેઓએ સાથે જ કહ્યું કે, ૨૦૧૯માં ભાજપે તેનું પતન જોવું પડશે. તેમણે કેન્દ્ર સરકાર પર રાજ્ય સરકારો સાથે સંકલન કર્યા વિના માઓવાદી વિસ્તારોમાંથી સલામતી દળોને હટાવવાનો આરોપ મુક્યો હતો. પોતાની ગૃહયુદ્ધ અંગેની ચેતવણી અંગે ખુલાસો કરતા તેમણે જણાવ્યું કે, તેઓ ભાજપના નોકર નથી કે પોતાના દરેક નિવેદનનો જવાબ આપે. મારા બોલવાનો અર્થ આવો નહોતો હું તો ૪૦ લાખ લોકોની ચિંતા કરૂ છું જેઓના નામ યાદીમાં નથી. ભાજપ રાજકીય રીતે પરેશાન છે કારણ કે તેઓ ૨૦૧૯માં સત્તામાં આવવાના નથી. મમતા બેનરજી ત્રણ દિવસની દિલ્હીની મુલાકાતે છે જ્યાં તેઓ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપ સરકાર વિરૂદ્ધ સંયુક્ત મોરચો ઘડવાની રણનીતના ભાગરૂપે યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીને બુધવારે મળ્યા હતા.