(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
જો સરકાર રાજ્યસભામાં ઉપાધ્યક્ષ માટે પોતાનો ઉમેદવાર ઉતારશે તો તૃણમૂલ કોંગ્રેસના સુએન્દ્ર શેખર રોય આ હોદ્દા માટે વિપક્ષોના ઉમેદવાર હોઈ શકે છે. સૂત્રો મુજબ કોંગ્રેસે રાજ્યસભામાં ઉપાધ્યક્ષના હોદ્દા માટે મમતા બેનરજીના ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ર૦૧૯માં થનાર લોકસભા ચૂંટણીથી પહેલાં આ બાબતને વિપક્ષી એકતાની વધુ પરીક્ષા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પહેલાં રાજ્યસભાના ઉપાધ્યક્ષના હોદ્દા માટે તૃણમૂલ ઉમેદવારને સમર્થન માટે સોનિયા ગાંધીના સચિવ અહમદ પટેલે મમતા બેનરજી સાથે મુલાકાતને કોંગ્રેસ તરફથી મમતાને સમર્થન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. આ હોદ્દો ૬ વર્ષ પહેલાં કોંગ્રેસ નેતા અને કેરળના રાજ્યસભાના સાંસદ પી.જે.કુરિયન પાસે હતો. પણ કોંગ્રેસે કુરિયનને ફરી વખત રાજ્યસભા માટે ચૂંટયો નહીં. રાજ્યસભામાં આ હોદ્દા માટે કોંગ્રેસ પાસે પ૧ બેઠકો છે એ માટે એ પ્રમુખ દાવેદાર છે. જો કે, પક્ષને ખબર છે કે બિનભાજપી સંગઠનની જીત નિશ્ચિત કરવા માટે એમણે મમતા બેનરજીના પક્ષને સમર્થન કરવું પડશે કારણ કે ઓડિસાના બિજુ જનતાદળ અને તેલંગાણાનો શાસક પણ મમતાને સમર્થન કરી રહ્યા છે. છેલ્લે ૧૯૯રમાં આ હોદ્દા માટે ચૂંટણીઓ થઈ હતી. ૧૯૯રમાં આ હોદ્દા માટે કોંગ્રેસના ઉમેદવાર નઝમા હેપતુલ્લા (જે હાલમાં ભાજપ સાથે છે) અને રેણુકા ચૌધરી વચ્ચે સંઘર્ષ હતો. તે વખતે રેણુકાને હરાવી નઝમાએ ચૂંટણી જીતી હતી. નોંધનીય છે કે, ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનો સભાપતિ હોય છે જેની ચૂંટણી લોકસભા અને રાજ્યસભાના સાંસદો કરે છે પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ફકત રાજ્યસભાના સાંસદો કરે છે.