જ્યાં સુધી ભાજપને સત્તા પરથી ઉખેડી નહીં ફેંકું ત્યાં સુધી લડતી રહીશ : મમતા બેનરજી

(એજન્સી) મિદનાપુર, તા. ૯
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ સરકાર પર બંધારણને કચડી નાખવાનો આરોપ લગાવતા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના બહાર કરવા માટે તૃણમુલ કોંગ્રેસ તમામ વિપક્ષો સાથે મળીને કામ કરશે. ‘૨૦૧૯માં ભાજપ ભારત છોડો’નું સૂત્ર આપી મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર દેશના લોકોના અધિકારો આંચકી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, ધર્મનિરપેક્ષતા હાલ ખતરામાં છે. અભિાયનની શરૂઆત કરતા મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ભાજપની આગેવાનીવાળી સરકાર દેશના ભાગલા પાડી રહી છે. અમે આ બાબતને સાંખી નહીં લઇએ. ૨૦૧૯માં અમારૂ સૂત્ર ભાજપ ભારત છોડો રહેશે. અમે તમામ વિપક્ષો સાથે મળીને કામ કરીશું જેથી અમે એક થઇ ભાજપ સામે લડી શકીશું. અમે કોમવાદ અને નફરતની રાજનીતિને સમાપ્ત કરવા માગીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, મમતા બેનરજીએ એ દિવસે ભાજપ ભારત છોડો અભિયાન શરૂ કર્યું છે જ્યારે દેશ ભારત છોડો આંદોલનની ૭૫મી વર્ષગાંઠ મનાવી રહ્યો છે. અમે ત્યાં સુધી લડતા રહીશું જ્યાં સુધી ભાજપને સત્તા પરથી ઉખેડી નહીં ફેંકીએ. તમામ નડતર સામે લોકશાહીનો વિજય થશે. મમતાએ આરોપ લગાવ્યો હતો કે, તેઓ ઇડી, આઇટી અને સીબીઆઇના દુરૂપયોગ કરી રહ્યા છે પરંતુ અમે ડરવાના નથી. કેન્દ્ર સરકાર હવે એજન્સીઓની સરકાર, એજન્સી દ્વારા, એજન્સીની અને એજન્સી માટેની સરકાર બની ગઇ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આગામી મહિને પટનામાં લાલુ પ્રસાદની રેલીમાં તેઓ જોડાશે. મમતાએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તે આદિવાસીઓ અને સમાજના પછાત વર્ગો માટે મગરના આંસુ વહાવી રહી છે. એક તરફ તેઓ આદિવાસીઓ અને પછાત વર્ગોનો લોકોની હત્યા કરી રહ્યા છે જ્યારે બીજી તરફ તેઓ આજ લોકો સાથે ફોટા પડાવી રહ્યા છે.